પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા એક પરિણીત ક્લાર્ક સામે ગંભીર પ્રકારની દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સરકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આરોપીએ એક મહિલા તલાટીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યું હોવાના આક્ષેપો સાથે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટનાને પગલે વહીવટી તંત્રમાં પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
મળતી માહિતી મુજબ આ સમગ્ર વિવાદની શરૂઆત એક સરકારી કાર્યક્રમથી થઈ હતી. ‘રન ફોર યુનિટી’ના કાર્યક્રમ દરમિયાન આરોપી ક્લાર્ક અને ભોગ બનનાર મહિલા તલાટી વચ્ચે પ્રથમ વખત સંપર્ક થયો હતો. ત્યારબાદ, બંને વચ્ચે વાતચીત વધતા આરોપીએ પોતે પરિણીત હોવા છતાં મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્નનું ખોટું આશ્વાસન આપીને તેણે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પીડિતાના આરોપ અનુસાર આરોપી ક્લાર્કે અંગત પળોના ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. આ પુરાવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને આરોપી તેને સતત બ્લેકમેઈલ કરતો હતો. ભય અને બદનામીના ડર હેઠળ મહિલા અત્યાર સુધી મૌન રહી હતી, પરંતુ આખરે હિંમત દાખવીને તેણે ન્યાય માટે પોલીસના દ્વાર ખટખટાવ્યા છે. આ મામલે પાટણની ચાણસ્મા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ નોંધાતાની સાથે જ આરોપી ક્લાર્ક પોતાની ધરપકડથી બચવા માટે ફરાર થઈ ગયો છે.










































