બાબરા તાલુકાના કર્ણુકી ગામે ખેડૂતોના હિત માટે એક મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. અહીં રૂ. ૬૫.૭૫ લાખના ખર્ચે તળાવ રિસ્ટોરેશન કાર્યનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વધુ સારી સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થાય અને પાણીની સંગ્રહ ક્ષમતા વધે તે હેતુસર આ કામગીરી હાથ ધરાઈ છે. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું કે સરકાર ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. તળાવના રિસ્ટોરેશનથી આજુબાજુના વિસ્તારમાં સિંચાઈ માટે પૂરતું પાણી મળશે, જેનાથી કૃષિ ઉત્પાદન વધશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વધુમાં, આ કાર્ય પૂર્ણ થતાં ભૂગર્ભ જળસ્તર પણ સુધરશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રી, સંગઠનના કાર્યકર્તાઓ, સરપંચ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






































