રાજ્યના ઊર્જા અને કાયદો રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે મહત્વના વિકાસકાર્યો સંપન્ન થયા છે. રવિવારે વડિયા તાલુકાના ઢુંઢિયાપીપળીયા ગામે અંદાજે રૂપિયા ૧.૨૫ કરોડના ખર્ચે સાકાર થનારી પ્રાથમિક શાળાના નવા ભવનનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ વડિયા શહેરમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે આશરે રૂપિયા ૧.૦૬ કરોડના ખર્ચે નવનિર્મિત મોંઘીબા પ્રાથમિક શાળાના આધુનિક મકાનનું લોકાર્પણ કરીને તેને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના બાળકોને ઉત્તમ અને ગુણવત્તાસભર શિક્ષણ આપવા માટે સંપૂર્ણ કટિબધ્ધ છે. વડિયા વિસ્તારના યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે બહાર ન જવું પડે તે હેતુથી સરકારી કોલેજની મંજૂરી બાદ હવે આગામી સમયમાં ધોરણ ૧૧ અને ૧૨ માટે સરકારી શાળા શરૂ કરવાનું આયોજન પણ વિચારણા હેઠળ છે. આ અંતર્ગત વડિયાના વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીનો અભ્યાસ પોતાના ઘર આંગણે જ મળી રહેશે. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા.