શહેરના બિરલા હોલ પાછળ આવેલા નેહા પેલેસ એપાર્ટમેન્ટમાં બનેલી આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. જાણવા મળતી વિગત અનુસાર હિત પોપટ નામના યુવાનની આશરે એક વર્ષ પહેલા સુહાસી રાયચુરા નામની યુવતી સાથે સગાઈ થઈ હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને પરિવારો વચ્ચે નાની નાની બાબતોમાં સતત બોલાચાલી અને ઝઘડાઓ થતા હતા. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે આખરે હિતે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ૨૦ મેના રોજ બપોરના સમયે સુહાસી પોતાના માતા-પિતા સાથે સીધી જ હિતના ઘરે પહોંચી હતી. “સગાઈ કેમ તોડો છો?” કહી ઘરમાં જારદાર હોબાળો શરૂ થયો હતો. વાતચીત અને સમજાવટ વચ્ચે જ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે ઘરમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
આ દરમિયાન હિતની મોટી બહેન વૃંદા સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલમાં ઉતારવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે સુહાસીએ તેના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો અને કહ્યું કે, “તું વીડિયો ઉતારીશ તો તને મારી નાખવી છે” આવું કહેતા હિત વચ્ચે પડતા તેનું ગળું પકડી ઉંચા અવાજે બોલવા લાગેલો અને માતા-પિતા બહાર ઉભા હતા તેને અંદર બોલાવી લીધા હતા સાથે જ ધમકીભર્યા શબ્દોમાં બોલાચાલી વધુ ઉગ્ર બની હતી. ઝઘડો ચરમસીમાએ પહોંચતા સુહાસીના પિતા જગદીશભાઈએ પ્લાસ્ટિકનો પાઈપ હાથમાં લઈ વૃંદાને જારદાર ધક્કો માર્યો માર્યો હતો. ધક્કો એટલો જારદાર હતો કે વૃંદા કબાટ સાથે અથડાઈ સીધી જમીન પર પટકાઈ ગઈ હતી. તે સમયે તેના હાથમાં નવ વર્ષીય બાળક પણ હતું. ઘટના બાદ વૃંદાની તબિયત બગડતા તેને તાત્કાલિક ૧૦૮ મારફતે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા સ્થિતિ વધુ ગમગીન બની હતી.
ઘટનાની જાણ થતાં જ કમલાબાગ પોલીસ સ્ટેશનની ટીમ તરત જ હરકતમાં આવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી ઝડપી તપાસ શરૂ કરી હતી. ઘટનાની ગણતરીના કલાકોમાં જ પોલીસે સુહાસી રાયચુરા, તેના પિતા જગદીશભાઈ અને માતા શિલ્પાબેનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર મામલે પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. મરણ જનાર વૃંદાબેન પરસોતમ માસ હોવાથી જુનાગઢથી પોરબંદર માવતરે આવ્યા હતાં અને પારિવારિક ઝઘડામા તેના આકસ્મિક મોતથી પરિવારમાં શોક પ્રસરી ગયો છે.










































