રાજુલાના દીપડીયા ગામે ફરજાની દીવાલ મુદ્દે કુટુંબીજનોમાં ડખો થયો હતો અને સામસામે ફરિયાદ નોંધાઈ હતી. ગૌતમભાઇ હીંમતભાઇ બારૈયાએ બાબુભાઇ હકાભાઇ બારૈયા, લાલજીભાઇ બાબુભાઇ બારૈયા અને સોમબાઇ બહેન બાબુભાઇ બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પોતાના ફરજાની નવી દીવાલમાં પાણી પાતા હતા. જે દરમિયાન પાડોશમાં રહેતા આરોપીઓએ આવીને દીવાલ તોડી નાખવા કહ્યું હતું. જેથી તેમણે આ દીવાલ પોતાની જગ્યામાં બનાવેલી છે તેમ જણાવ્યું હતું. આથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને તથા તેમના પરિવારને ગાળો દેવા લાગ્યા હતા. ઉપરાંત ઇંટોના છુટ્ટા ઘા કર્યા હતા તેમજ ફરજા બહાર આવી તેમને તથા તેમના પરિવાર સાથે માથાકૂટ કરી ઢીકાપાટુ વડે માર માર્યો હતો.જે બાદ બાબુભાઇ હકાભાઇ બારૈયા એ હીંમતભાઇ બારૈયા, ગૌતમભાઇ હીંમતભાઇ, વિક્રમભાઇ હીંમતભાઇ તથા વીમળાબેન હીંમતભાઇ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપીઓએ તેમના મકાન પાસે તેમની માલિકીની જગ્યામાં દીવાલ બનાવી હતી. આ દીવાલ નહીં બનાવવા માટે તેમણે આરોપીઓને ના પાડતાં આરોપીઓને સારું લાગ્યું ન હતું અને તેમણે ગાળો આપી હતી. તેમજ લોખંડના પાઇપ વડે માથાના પાછળના ભાગે એક ઘા મારી ઇજા કરી હતી. ઉપરાંત ઢીકાપાટુ વડે મૂઢમાર માર્યો હતો તેમજ કમરના ભાગે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.