પીએમ મોદી ૧૦ મેના રોજ બેંગલુરુની મુલાકાતે ગયા હતા. આ સમય દરમિયાન, બેંગલુરુની બહાર જિલેટીન સ્ટીક મળી આવી હતી. બેંગલુરુ દક્ષિણ (રામનગર) ના પોલીસ અધિક્ષક દ્વારા આ ઘટનાના સંદર્ભમાં છ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘટનાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ સસ્પેન્ડ રહેશે. બેંગલુરુ દક્ષિણ (રામનગર) ના પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રીના આગમન પહેલા સવારે સુરક્ષા તપાસ દરમિયાન જિલેટીન સ્ટીક મળી આવી હતી.
બેંગલુરુના સેન્ટ્રલ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીઆઈજી) એ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા તપાસ દરમિયાન, મુખ્ય સ્થળથી આશરે ૩ કિમી દૂર ફૂટપાથ પર બે જિલેટીન સ્ટીક મળી આવી હતી. વધુ તપાસ ચાલી રહી છે.” આ ઘટના બાદ, કર્ણાટક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય બી.વાય. વિજયેન્દ્રએ ૧૦ મેના રોજ વડા પ્રધાનના નિયુક્ત માર્ગ પર જિલેટીન સ્ટીક મળી આવવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે તેને સુરક્ષામાં ગંભીર ભૂલ અને રાજ્ય કોંગ્રેસ સરકારની “અક્ષમ્ય અને સંપૂર્ણ નિષ્ફળતા” ગણાવી હતી.
બી.વાય. વિજયેન્દ્રએ ૧૦ મેના રોજ એક પોસ્ટમાં કહ્યું હતું કે, “કોંગ્રેસ સરકારના શાસનમાં રાજ્યમાં, ખાસ કરીને રાજધાની બેંગલુરુમાં, કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષા સંપૂર્ણપણે પડી ભાંગી છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “દેશના વડા પ્રધાનની સુરક્ષામાં સહેજ પણ ખામી ન હોવી જાઈએ; તેમને મહત્તમ સુરક્ષા પૂરી પાડવી જાઈએ. રાજ્ય સરકારે આ સંવેદનશીલ અને ગંભીર બાબતને ગંભીરતાથી લેવી જાઈએ, તાત્કાલિક સંપૂર્ણ તપાસ કરવી જાઈએ, અને આ કૃત્ય પાછળના ગુનેગારોને ઓળખીને સજા કરવી જાઈએ એટલું જ નહીં, પરંતુ બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી પણ કરવી જાઈએ.”
પોલીસે હાલમાં આ મામલાની વિગતવાર તપાસ શરૂ કરી છે. આ સંદર્ભમાં છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં એક સબ-ઇન્સ્પેક્ટર, એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર અને ચાર કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, માહિતી મળ્યા બાદ રાષ્ટÙીય તપાસ એજન્સી પણ તપાસમાં જાડાઈ છે.