બહોળા વર્ગને કે છેવાડાના માણસના હિતને રજુ થવા માટે પ્રતિનિધિત્વની વ્યવસ્થા લોકશાહીમાં અમલમાં છે. પ્રતિ એટલે સામેનું કે વતી જેવો ગુજરાતી ભાવાર્થ થાય છે. અન્ય વ્યવહારિક ક્ષેત્રમાં આડતીયો, મધ્યસ્થી, મુખત્યાર, અભિકર્તા જેવા શબ્દો પણ વપરાય છે. પણ સમાજીક અને રાજકીય જીવનમાં પ્રતિનિધિ કે આગેવાન શબ્દ વધુ પ્રચલિત છે. ભારતીય લોકશાહીમાં ચૂંટણીની પ્રક્રિયા દ્વારા ગામડાના વોર્ડથી લઈને દેશના સર્વોચ્ચ સ્થાન એવા રાષ્ટ્રપતિ સુધીની પ્રતિનિધિ પસંદગીની એક સ્થાપિત પ્રક્રિયા છે. દરેક વર્ગ ટોળા લઈને રજૂઆત કરવા દરેક જગ્યાએ જઈ ન શકે, એટલી જગ્યા પ્રશાસન પાસે નથી હોતી. જે કાફલાનો છેલ્લો આદમી છે, જે સત્તાથી ઘણો દૂર અંતરિયાળ છે જે પોતાની સમસ્યાના નિરાકરણનો રસ્તો નથી જાણતો, એણે પ્રતિનિધિ દ્વારા રજુ થવું પડે છે. એ પોતાનામાંથી કોઈ એક કે બે કે બેથી વધુની પસંદગી કરે છે, અને એ પસંદ થયેલા જે તે વર્ગનો અવાજ યથાયોગ્ય જગ્યાએ પહોચાડે છે. ટોળા દ્વારા ઉભી થનાર ધાંધલી કે બખેડો ટાળવા માટેની આ એક સુચારુ વ્યવસ્થા છે, જે લોકશાહીમાં સ્વીકારાયેલી છે. વસ્તીના મોટા સમૂહને પ્રતિનિધિ હોવો ખુબ જરૂરી છે જે તેમના હિતો માટે અવાજ બુલંદ કરતો રહે. સમાજની કે વર્ગની સમસ્યા નિરાકરણમાં પ્રતિનિધિ અગત્યની કડી છે. જો પ્રતિનિધિ કાબેલ હોય તો સમસ્યાનું સુચારુ નિરાકરણ ઝડપી બને છે. આમાં ચૂંટાયેલા અને નહિ ચૂંટાયેલા જેવા બે સ્પષ્ટ વર્ગો પાડી શકાય.
પ્રતિનિધિની એક એવી આભા હોય છે કે જેના ખોળામાં પ્રજા પોતાનું ભાવિ રમતું મૂકી દે છે. મુશ્કેલ સમયમાં પ્રતિનિધિની ઓળખ છતી થાય છે. ભારતે બે એક વર્ષ પહેલા જ કોરોના જેવા દુષ્કર કાળનો સામનો કર્યો હતો. એક એવો કપરો સમય કે જે દરમિયાન આખી પ્રજા મોત ભાળી ગઈ હતી. ત્યારે માથા પર કફન બાંધીને ખરો જનપ્રતિનિધિ પોતાના ઘરમાંથી બહાર આવીને ઝઝુમ્યો હતો. આજે જે વ્હોટ્‌સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુ ટ્યુબ પર હો દેકારો કરી રહ્યા છે એમાના ઘણા ખરા દરમાં પુરાઈ ગયા હતા અને ત્યાં બેઠા બેઠા સમગ્ર તંત્ર પર આંગળીઓ ઉઠાવતા રહ્યા હતા. આ પ્રકોપ પૂરો થયે નવા અસ્ત્રી કરેલા કપડા અને કાળા ગોગલ્સ પહેરીને પાછા બજારમાં આવી ગયા હતા અને લોકશાહીનો ભાવતાલ કરવા લાગ્યા હતા.
આજના સમયમાં સોશ્યલ મીડિયામાં જન્મદિવસની કે કોઈ અન્ય પ્રસંગની શુભકામનાઓ આપવામાં કોઈ વ્યક્તિ વિશે જે ભાષા વિશેષણોનો ઉપયોગ કરવામાં આવે છે એ કઈક આવા હોય છે, ‘ સમાજના અગ્રણી… સક્રિય સામાજિક કાર્યકર્તા… સમાજનો નીડર અવાજ… વંચિતોના દુઃખોને વાચા આપનાર… ગરીબોના બેલી… જ્ઞાતિરત્ન…. સમાજનું ગૌરવ… સોશ્યલ મીડીયાએ આગેવાન પેદા કરવાની ઝુંબેશમાં ક્રાંતિ આણી દીધી છે. ગામની બહાર કોઈ ઓળખતું ન હોય તેને એક ઝાટકે આખા સમાજનો આગેવાન બનાવી દેવામાં આવે છે. પરમાર્થે આઠ આના નહિ ખર્ચતાને ભામાશા તરીકે રજુ કરી દેવામાં આવે છે. સોશ્યલ મીડિયાની દુનિયા એ ખરજવું છે જે અધકચરા આગેવાનને બૃહદ ફલક પર છવાઈ જનારો નેતા બની જવાની ખુજલી ઉપાડે છે. એક યુ ટ્યુબ ચેનલ ખોલીને તમે ગમે તે વ્યક્તિ, સંસ્થા, પક્ષ, સમાજને ગાળો બકી શકો છે. આ પ્લેટફોર્મ પર સમાજ કે પક્ષ કે વર્ગનો અવાજ ઉઠાવનારાઓની સંખ્યા એટલી બહોળી થઇ ગઈ છે કે જે તે સમાજ મૂંઝવણમાં છે કે આમાંથી આગેવાન કોણ છે ?
તમારો વિજય કે પરાજય કે સમસ્યાનું સમાધાન તમારા પ્રતિનિધિત્વ પર નિર્ભર કરે છે. સોશ્યલ મીડિયા પર આગેવાન ચૂંટી લેવાથી કદાચ જે તે પ્લેટફોર્મ પર લાઇક કે વ્યુ મળી જશે, એક હો હા જેવી સફળતા પણ મળી જતી દેખાશે. પણ બુનિયાદી સ્તર પર પરિણામની શક્યતા ખુબ ઓછી છે. કારણકે આ બંને દુનિયા વચ્ચેનું અંતર ખાસ્સું લાંબુ છે. વિડીયો બનાવીને અપલોડ કરવો અને સ્થળ પર જઈને જાત નિરીક્ષણ કરવું બંને અલગ બાબત છે. તરવાની આખી ચોપડી કંઠસ્થ હોય એટલે પાણીમાં પાડવા જેવી આ વાત છે. જે વર્ગ સોશ્યલ મીડિયા પર નેતાની પસંદગી કરી લે છે, તેના જમીની પ્રશ્નો ઉકેલવા એ નેતા સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મથી નીચે ઉતરીને જમીન પર કામ નથી કરી શકતો. એ માટે ધીકતી વકીલાત છોડીને કપડવંજમાં મેજીસ્ટ્રેટ સમક્ષ સામાન્ય અરજદારના વકીલ તરીકે હાજર થવું પડે છે. જે જમીનમાંથી ઉગેલો પ્રતિનિધિ છે એ જ સમસ્યાના મુળિયા સુધી પહોચી શકવાનો છે.
ક્વિક નોટ — ખેડા સત્યાગ્રહ દરમિયાન ક૫ડવંજ તાલુકાનાં ગામડાંમાં ફરી લડતનો પ્રચાર કરનાર એક સ્વંયસેવક ઉપર મામલતદારે હુકમ કાઢ્યો કે તમે વસૂલાતના કામમાં લોકોને ખોટું સમજાવી ઉશ્કેરણી કરો છો તેથી લૅન્ડ રેવન્યુ કોડની કલમ ૧૮૯ મુજબ જવાબ આપવા કચેરીમાં તમારે હાજર થવું.
આ નોટીસ સબબ સ્વયંસેવક તે દિવસે વખતસર મામલતદારની કચેરીમાં હાજર થયા. સાથે વકીલ પણ લાવ્યા અને એ વકીલે જવાબ રજુ કરાવ્યો “ સમન્સમાં જણાવવામાં આવે છે કે વસૂલાતના કામમાં લોકોને ખોટું સમજાવી ઉશ્કેરો છો. પણ મેં કાઈને ખોટી સલાહ આપી નથી, તેમ જ કોઈને ખોટા ઉશ્કેર્યા નથી. લોકો કોઈ રીતે ખોટું સમજ્યા હોય અગર ઉશ્કેરાયા હોય એમ બન્યું નથી. હું લોકોને તદ્દન વાજબી અને સાચી સલાહ આપું છું. મારા ગામનો પાક ચાર આનીથી ઓછો થયેલ છે, અને તેથી સરકારના નિયમને આધારે મારા ગામના લોકો જમીનમહેસૂલ નહીં ભરવાને હકદાર છે. “
એ વકીલ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. એ સમયે લાખોની ધીકતી વકીલાતની પ્રેક્ટીસ છોડીને પોતાના જણ સારું મામલતદાર સામે વકીલ તરીકે ઉપસ્થિત થનાર એ જણ જે કાફલામાંથી આવતો હતો તેના પ્રતિનિધિ હતા. આ એ આગેવાનો હતા જેણે તે સમયે છેક છેવાડાના ખેડૂત વર્ગને સર્વસત્તાધીશ અંગ્રેજો સામે વિજય અપાવ્યો હતો.