પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ઢેબર રોડ પરથી એક સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડયો. પકડાયેલો આ યુવક રાજકોટના વોર્ડ નંબર ૧૬ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર હોવાનું સામે આવતા રાજકીય અને સ્થાનિક સ્તરે ભારે ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ,પીસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.સી.બી.નો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે ઢેબર રોડ પર આવેલી ગોપાલનગર શેરી નં. ૨ માં રોડ ઉપર એક સ્વીફ્ટ કારમાં દારૂનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસે તુરંત જ રાઉન્ડ અપ કરીને વોચ ગોઠવી દરોડો પાડયો હતો. જ્યાં સ્થળ પરથી પોલીસે મારૂતિ સ્વીફ્ટ કાર નં. જીજે -૦૩-એનબી-૯૬૨૪ને આંતરીને તેની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી કુલ ૧૩૨ બોટલ કે જેની કિંમત રૂ. ૧,૮૫,૫૬૨ આંકવામા આવી રહી છે, ઉપરાંત મારૂતિ સ્વીફ્ટ કાર મળીને કુલ રૂ.૫.૮૫,૫૬૨નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસે આ દરોડા દરમિયાન કાર સાથે સ્થળ પરથી ૨૨ વર્ષીય ઓમ હરેશભાઈ સોલંકી કે, જેઓ રાજકોટના કોઠારીયા મેઈન રોડ સ્થીત નીલકંઠ પાર્કમાં રહે છે તેમને ઝડપી પાડ્યો છે. મહત્વપૂર્ણ છે કે, દારૂ સાથે ઝડપાયેલો આ યુવક વોર્ડ નંબર ૧૬ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો દીકરો છે. જ્યારે આ દારૂના નેટવર્ક પાછળ મુખ્ય સૂત્રધાર ગણાતો અને દારૂનો જથ્થો મોકલનાર શિવરાજ ધીરૂભાઈ વાળા (ધાંધલ)ને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ ચોપડેથી મળતી વિગતો અનુસાર, નાસી છૂટેલો આરોપી શિવરાજ ધીરૂભાઈ વાળા (ધાંધલ) સામાન્ય ગુનેગાર નથી પરંતુ રીઢો અને નામચીન બુટલેગર છે. તેની સામે અગાઉ પણ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ૯ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.








































