મહેસાણા જિલ્લાના વધુ એક ભાજપના નેતાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ વાયરલ ઓડિયો ક્લિપ વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાના નામની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં ચૂંટણીલક્ષી રણનીતિ અને રૂપિયાની લેવડ-દેવડ અંગેની ખૂબ જ ચોંકાવનારી વાતો સામે આવી છે. આ ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ મહેસાણાથી લઈને ગાંધીનગર સુધીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
વાઇરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપમાં ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા માટે રૂપિયાની વહેંચણી કરવામાં આવી હોવાનો ખુલ્લો સ્વીકાર કરવામાં આવ્યો છે. કથિત ઓડિયો ક્લિપમાં સી.જે. ચાવડા એવું કહેતા સંભળાય છે કે, મતદાન માટે પૈસા આપીને આપણે મતો મેળવી લીધા છે.
આ ઉપરાંત પક્ષ પલટા અને ટિકિટ અંગે મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, ‘હું જ્યારે કોંગ્રેસમાંથી આવ્યો અને વિધાનસભાની ચૂંટણી લડ્યો, ત્યારે મને બે કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.’ ભાજપમાં અન્ય નેતાઓને મળતા ચૂંટણી ફંડ અંગે કટાક્ષ કરતા ક્લિપમાં ઉમેરાયું છે કે, તેઓ કોંગ્રેસમાંથી આવ્યા હોવાના કારણે તેમને બે કરોડ રૂપિયા મળ્યા હતા, બાકી અન્ય કોઈને પચાસ લાખ રૂપિયાથી ઉપર એક પણ પૈસો આપવામાં આવતો નથી.
વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગેની રણનીતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તાલુકા પંચાયત સ્તરે સર્વે કરાવીને પચાસ-પચાસ હજાર રૂપિયા આપવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત જે ઉમેદવાર ગરીબ હોય તેને ચૂંટણી લડવા માટે ૫૦ હજાર રૂપિયાની સહાય અંગે પણ સંભળાઈ રહ્યું છે. રાજકીય વિશ્લેષકોના અનુમાન અનુસાર, આ ઓડિયો ક્લિપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયની હોઈ શકે છે. મહેસાણા ભાજપમાં એકપછી એક આવી ઓડિયો ક્લિપો વાયરલ થવાના કારણે પક્ષની આંતરિક જૂથબંધી અને ચૂંટણી પ્રક્રિયામાં નાણાંના પ્રભાવને લઈને વિપક્ષને વધુ એક મોટો મુદ્દો મળી ગયો છે, જ્યારે સામાન્ય જનતામાં પણ આ બાબતે ભારે ચર્ચાઓ થઈ રહી છે.
નોંધનીય છે કે, ૨૦૨૪માં લોકસભા ચૂંટણી સમયે સી.જે. ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જાડાયા હતા. સી. જે. ચાવડા ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના કાર્યકાળ દરમિયાન ભાજપમાં જાડાયા હતા. ત્યાર બાદ વિજાપુરથી પેટાચૂંટણી લડી વિધાનસભા પહોંચ્યા હતા.








































