વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં ઘરેલુ કલહના કારણે સર્જાયેલા વિખવાદમાં એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના શંકાસ્પદ મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ કરુણ ઘટનાને પગલે આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ ઘટનાની વિગતો અનુસાર, આ આખી ઘટના પાછળ ઘરેલુ કંકાસ મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે. કૌટુંબિક ઝઘડા બાદ માસૂમ બાળકોને કોઈ ઝેરી પદાર્થ પીવડાવવામાં આવ્યો હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે. આ ઝેરી અસરના કારણે પરિવારના ત્રણેય બાળકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં નાયરા (ઉંમરઃ ૩ વર્ષ), બે જોડિયા બાળકો (ઉંમર માત્ર ૭ મહિના) એકસાથે ત્રણ-ત્રણ ફૂલ જેવા માસૂમોના મોતથી સ્થાનિકો સ્તબ્ધ થઈ ગયા છે.
બીજી તરફ, બાળકોની માતા નિશાબેનની પણ તબિયત લથડતાં તેમને તાત્કાલિક હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ગંભીર હાલતમાં હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. માતા ભાનમાં આવ્યા બાદ જ આ ઘટના પાછળનું સાચું કારણ અને તે રાત્રે શું બન્યું હતું તેની વિગતો સ્પષ્ટ થઈ શકશે.
આ ઘાતકી અને સનસનાટીભરી ઘટનાની જાણ થતાં જ ભીલાડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ત્રણેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ કરુણ મોતના સાચા કારણનો સત્તાવાર ખુલાસો થશે. હાલમાં આસપાસના લોકો અને પરિવારજનોની પૂછપરછ કરીને આગળની તપાસ તેજ કરવામાં આવી છે










































