રાજકોટમાં આગામી દિવસોમાં યોજાનાર બાબા બાગેશ્વર (ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી)ના કાર્યક્રમને લઈને અત્યારથી જ વિવાદોનો મધપૂડો છંછેડાયો છે. કાર્યક્રમ હજુ યોજાય તે પહેલા જ રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે વિરોધની સ્થિતિ જાવા મળી રહી છે. આ વિવાદની શરૂઆત પાટીદાર અગ્રણીની એક સોશિયલ મીડિયા પોસ્ટથી થઈ હતી, જે હવે ઉગ્ર રૂપ ધારણ કરી રહી છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળીયાની એક સોશિયલ મીડિયા પોસ્ટ બાદ થઈ છે. તેમણે આ કાર્યક્રમને ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ ‘અંધશ્રદ્ધાનો મહાકુંભ’ ગણાવ્યો હતો. આ પોસ્ટ વાયરલ થતાં જ ચર્ચા જાગી હતી. પોતાની પોસ્ટ અંગે મહત્વનું નિવેદન આપતા પુરુષોત્તમ પીપળીયાએ સ્પષ્ટતા કરી હતી કે મને ધીરેન્દ્ર શાસ્ત્રીના ધાર્મિક કાર્યો સામે કોઈ જ વાંધો નથી. પરંતુ, તેમના દ્વારા જે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે, તેની સામે મારો સખત વિરોધ છે. લોકોને અંધશ્રદ્ધાની ગર્તામાં ધકેલીને તેનો આર્થિક કે અન્ય લાભ ઉઠાવવો તદ્દન ગેરકાયદેસર છે.”
સામે પક્ષે, કાર્યક્રમના આયોજકો પણ મેદાને આવ્યા છે અને વિરોધ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. આયોજક સમિતિ દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવાયું છે કે રાજકોટના પ્રખ્યાત રેસકોર્સના મેદાનમાં હનુમાન કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો કોઈ વિષય જ નથી, આ માત્ર ઈશ્વરીય આરાધના છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની દિવ્ય વાણીનો લાભ લેવા માટે હજારો ભક્તો ઉમટી પડશે અને કાર્યક્રમ ભવ્ય રીતે સફળ થશે.
બીજી તરફ, અંધશ્રદ્ધા સામે લડતી સંસ્થા ‘વિજ્ઞાન જાથા’ પણ આ મામલે આક્રમક મૂડમાં જાવા મળી રહી છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીદેશમાં જ્યાં પણ જાય છે, ત્યાં વિવાદો જન્મે છે. તેઓ દિવ્ય શક્તીના બહાના હેઠળ ખુલ્લેઆમ અંધશ્રદ્ધા ફેલાવે છે. ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો અમલી છે, તેથી જા અહીં પણ ચમત્કારોના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ થશે, તો અમે કાયદાકીય પગલાં ભરીને તેમની સામે એફઆઇઆર દાખલ કરીશું.”
બાબા બાગેશ્વરના વિરોધમાં હવે સાધુ-સંતો પણ સુર પુરાવી રહ્યા છે. સનાતન ધર્મ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ બાપુએ ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ લીધા વિના તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, “આ વ્યક્તી જુદા-જુદા ખેલ (ચમત્કારો) કરીને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરે છે. આવો જ એક તાયફો અને ખેલ હવે રાજકોટમાં સ્ટેજ પર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે સનાતન સંસ્કૃતિ માટે યોગ્ય નથી.”









































