ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે તાજેતરમાં મુન્દ્રા બંદર નજીકથી રૂ. ૧,૧૫૦ કરોડની કિંમતના ૧૧૫ કિલોગ્રામ કોકેનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ જથ્થો જપ્ત કરાયેલા એમવી નામના કાર્ગો જહાજે ભારત પહોંચતાં પહેલાં લગભગ ૧૯૬ દિવસ સુધી દરિયાઈ મુસાફરી કરી હતી અને આ દરમિયાન તે સાત દેશોનાં ૨૩ બંદરો તથા વિવિધ એન્કરેજ પોઇન્ટ્સ પર કુલ ૪૦ વાર થોભ્યું હતું. તપાસમાં સામે આવેલાં આ તથ્યોએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીની એક સુનિયોજિત જાળને ઉજાગર કરી છે.
એટીએસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસમાં દક્ષિણ અમેરિકાથી ભારત સુધી ફેલાયેલો જટિલ દરિયાઈ માર્ગ સામે આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કોકેનના આ જથ્થા અંગે ગુપ્તચર માહિતી પ્રથમ વખત ગયા વર્ષે મે મહિનામાં મળી હતી. તે સમયે કથિત રીતે કોકેન જહાજમાં છુપાવવામાં આવી રહ્યું હતું અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગો મારફતે તેને ગંતવ્ય સુધી પહોંચાડવાની યોજના ઘડાઈ રહી હતી.
એક વરિષ્ઠ એટીએસ અધિકારીએ જણાવ્યું કે કોકેનનો સ્રોત બ્રાઝિલ હતો અને જહાજના મોટરરૂમમાં તેને અત્યંત ગુપ્ત રીતે છુપાવી રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ જહાજ અનેક દેશોની સમુદ્રી સીમાઓ અને બંદરોમાંથી પસાર થઈને આખરે ભારતીય જળસીમા સુધી પહોંચ્યું હતું.
લાંબી મુસાફરી બાદ જહાજ દક્ષિણ એશિયા તરફ આગળ વધ્યું હતું. ૧૯ મેના રોજ તે મુંબઈ નજીક આવેલા જવાહરલાલ નહેરુ પોર્ટ પહોંચ્યું હતું. ત્યાર બાદ ૨૨ મેના રોજ પાકિસ્તાનના પોર્ટ કાસિમ ખાતે રોકાઇને અંતે ૨૬ મેના રોજ મુન્દ્રા બંદર નજીક પહોંચ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર જહાજ લગભગ બે દિવસ સુધી મુન્દ્રા નજીકના એન્કરેજ વિસ્તારમાં રોકાયું હતું. અહીં અન્ય એક બોટ આવીને કોકેનનો જથ્થો લઈ જવાની હતી, જાકે કોસ્ટગાર્ડ અને એટીએસની સતત દેખરેખના કારણે આ યોજના નિષ્ફળ ગઈ હતી.
આ સમગ્ર કાર્યવાહી ૨૫ અને ૨૬ મેની મધરાતે હાથ ધરાયેલા વિશેષ ઓપરેશન દરમિયાન કરવામાં આવી હતી. કોસ્ટગાર્ડની ટીમો જહાજની નજીક પહોંચતાં જ ક્રૂ મેમ્બર્સે કથિત રીતે કોકેન ભરેલી બેગો દરિયામાં ફેંકી દીધી હતી, જાકે સર્ચ ઓપરેશન દરમિયાન પાંચ બેગ મળી આવી હતી, જેમાંથી ૧૧૫ પેકેટ કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું.
તપાસ એજન્સીઓના મતે કોકેનનો જથ્થો મુન્દ્રા નજીકથી બીજી બોટમાં ટ્રાન્સફર કરીને દેશના આંતરિક વિસ્તારોમાં પહોંચાડવાનો હતો, જાકે એટીએસને એવી પણ શંકા છે કે સમગ્ર જથ્થાનું અંતિમ ગંતવ્ય ભારત ન હતું. એક એટીએસ અધિકારીએ જણાવ્યું કે ભારતમાં આ જથ્થો થોડા સમય માટે સંગ્રહિત કરીને પછી નાનાં પેકેટોમાં વહેંચી હવાઈ કાર્ગો મારફતે અન્ય દેશોમાં મોકલવાની યોજના હોઈ શકે છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ વર્ષોથી આવી જ પદ્ધતિ અપનાવતા આવ્યા છે. કોઈ એક દેશમાં મોટા જથ્થાનો સ્ટોક રાખવામાં આવે છે અને પછી તેને વિવિધ દેશોમાં નાના જથ્થા તરીકે મોકલવામાં આવે છે. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આ કોકેનનો કેટલો ભાગ અન્ય દેશોમાં મોકલવાનો હતો.
એટીએસ દ્વારા તપાસાયેલા શિપિંગ રેકોર્ડ મુજબ જહાજ પ્રથમ વાર ૧૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ બ્રાઝિલના સાઓ વિસેંટે બંદરે થોભ્યું હતું. તે પછીના મહિનાઓ દરમિયાન જહાજે બ્રાઝિલ, આર્જેન્ટીના અને ઉરુગ્વેનાં વિવિધ બંદરોની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ જહાજ પનામા કેનાલમાંથી પસાર થઈ બહામાસ અને ડોમિનિકન રિપબ્લીક પહોંચ્યું હતું. બાદમાં અમેરિકાના પૂર્વ કિનારાના અનેક બંદરો પર પણ ઊભું રહ્યું હતું. એટીએસના જણાવ્યા અનુસાર જહાજે બ્રાઝિલ, પનામા અને અમેરિકા ખાતે કેટલાંક બંદરો અને એન્કરેજ પોઇન્ટ્સની વારંવાર મુલાકાત લીધી હતી, જેના કારણે સમગ્ર પ્રવાસ દરમિયાન તે કુલ ૪૦ વાર થોભ્યું હતું










































