બગસરામાં સાંકડા રસ્તા અને વાહનોની અવરજવરથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાથી શહેરના આગેવાનોએ શહેરમાં વન-વેના અમલની માંગ કરી હતી જેથી તત્કાલિન કલેકટર ઝાલાવડીયા દ્વારા શહેરમાં વન-વેના અમલનો આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ એસ.ટી.ડેપોના ડ્રાઈવરો વન-વેમાં બસ ઘુસાડી દેતા હોવાથી ટ્રાફિક જામ સર્જાતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બગસરામાં સવારે ૮થી ૧ર અને સાંજના ૪થી ૮ વાગ્યા સુધી વન-વેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતુ. જેમાં એસ.ટી.બસ સહિતના કુંકાવાવ નાકાથી પ્રવેશ કરીને પોલીસ સ્ટેશન પાસેથી નિકળવાનો ઉલ્લેખ છે. આમ છતાં અન્ય ડેપોના માથાભારે એસ.ટી.ડ્રાઈવરો જાહેરનામાનું ઉલ્લંઘન કરી બસને અમરેલી જવા માટે સીધી કુંકાવાવ નાકાના રસ્તે વાળી દેતા હોવાથી ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જુના બસ સ્ટેશન પાસે ટ્રાફિક જવાનોની હાજરીમાં બસ ડ્રાઈવરો મનસ્વી રીતે વન-વેનું ઉલ્લંઘન કરી રહ્યા છે. વન-વેમાં બે બસ સામસામે ભેગી થતી હોવાથી લાંબા સમય સુધી ટ્રાફિક જામની સમસ્યા રહે છે. જેથી વન-વેનું ઉલ્લંઘન કરતા એેસ.ટી.ડ્રાઈવરો તેમજ ભારે વાહનચાલકો સામે પોલીસ કડક કાર્યવાહી હાથ ધરે તેવી શહેરીજનો દ્વારા માંગ કરવામાં આવી છે.