રાજકોટ ગ્રુપ અંતર્ગત ૩ ગુજરાત ગર્લ્સ બટાલિયન-એન.સી.સી. દ્વારા ભાવનગર ખાતે ૦૬ થી ૧૫ મે ૨૦૨૬ દરમિયાન ૧૦ દિવસીય પેરાસેલિંગ કેમ્પનું સફળ આયોજન કરાયું હતું. આ કેમ્પમાં મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ, અમરેલીના મિક્સ યુનિટની ૩૭ ગર્લ્સ કેડેટ્‌સે રાજકોટ ગ્રુપના અંદાજે ૪૦૦ કેડેટ્‌સ વચ્ચે ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ કેડેટ્‌સમાં સાહસિકતા, હિંમત, શિસ્ત, ટીમ સ્પિરિટ અને આત્મવિશ્વાસનો વિકાસ કરવાનો હતો. પ્રશિક્ષિત સ્ટાફની દેખરેખ અને કડક સુરક્ષા વચ્ચે જીપ આધારિત પેરાસેલિંગ સોર્ટીઝ યોજાઈ હતી. બટાલિયન કમાન્ડિંગ ઓફિસર કર્નલ વૈભવ દીક્ષિતે જણાવ્યું કે, મેજર જનરલ બિમલ મોંગાની પ્રેરણાથી યોજાયેલો આ કેમ્પ કેડેટ્‌સના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. તેમણે ગર્લ્સ કેડેટ્‌સના ઉત્સાહને બિરદાવ્યો હતો તેમજ સફળ આયોજન માટે વહીવટીતંત્ર, ભાવનગર પોલીસ, એરપોર્ટ ઓથોરિટીઝ અને મેડિકલ ટીમોનો આભાર વ્યક્ત કર્યો હતો.