કોડીનાર તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસે ભાજપના ૩૦ વર્ષના શાસનનો અંત આણી સત્તા કબજે કરી છે. કુલ ૨૪ બેઠકોમાંથી ભાજપને ૧૧, કોંગ્રેસને ૧૨ અને અપક્ષને ૧ બેઠક મળી હતી. ભાજપે સત્તા મેળવવા અનેક પ્રયાસો કર્યા, પરંતુ અરણેજ બેઠકના નિર્ણાયક અપક્ષ સભ્ય અસ્મિતાબેન અનિરુદ્ધસિંહ જાદવે કોંગ્રેસને ટેકો આપ્યો હતો. પરિણામે, કોંગ્રેસના અનુપાબેન રાજેન્દ્રભાઈ સોલંકી પ્રમુખ અને હર્ષાબેન મયુરભાઈ ગાધે ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જ્યારે અપક્ષ ઉમેદવાર અસ્મિતાબેનને કારોબારી ચેરમેનનું પદ સોંપાયું હતું. ભાજપના પ્રલોભનો છતાં કોંગ્રેસના સભ્યો અકબંધ રહ્યા હતા. આ ઐતિહાસિક જીત પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશ, જેઠાભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.