શહેરના સુખનાથપરાની શેરી નંબર-૭ માં આવેલા હિતેનભાઈ ડોડીયાના મકાનમાં કાર્યરત ‘ચામુંડા ફોટો ફ્રેમ’ની દુકાનમાં આજે સાંજે ૫ઃ૨૦ કલાકે અચાનક આગ ફાટી નીકળી હતી. મકાનમાં રાખેલા ત્રણથી ચાર પ્રિન્ટિંગ મશીનોને કારણે ભારે ધુમાડો ફેલાઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ ફાયર ઓફિસર એચ. સી. ગઢવીની આગેવાની હેઠળ ફાયર ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે અત્યાધુનિક સાધનો વડે સ્મોક મેનેજમેન્ટ કરી, વેન્ટિલેશન ઊભું કરીને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી. આ દુર્ઘટનામાં કાચ વાગવાના કારણે માલિક અને એક કર્મચારી ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એકને ફાયર વિભાગે પ્રાથમિક સારવાર આપી હતી જ્યારે અન્ય એકને હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઓપરેશનમાં ભગવતસિંહ ગોહિલ, પ્રવીણભાઈ ચૌહાણ, કૃષ્ણભાઈ ઓળકિયા, જગદીશભાઈ ભુરીયા અને હર્ષભાઈ ચાવડાએ પ્રશંસનીય કામગીરી કરી હતી.