અમરેલી તાલુકા પંચાયતના સદસ્યા ભાવનાબેન સુખડીયાએ ટીડીઓને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે અમરેલી તાલુકા પંચાયત કચેરીમાં યોજાનારી સામાન્ય સભામાં મહિલાઓને યોગ્ય સ્થાન અને સુરક્ષા મળે તે માટે તાલુકા પંચાયતના સભ્ય દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં મહિલાઓને મળેલા અનામત હક્કનો સન્માન થવો જોઈએ અને મહિલાઓને સક્રિય રીતે નિર્ણય પ્રક્રિયામાં જોડાવાનો મોકો મળવો જરૂરી છે. સભામાં કોઈપણ વ્યક્તિ દ્વારા મહિલાઓ પ્રત્યે અપમાનજનક વર્તન ન થાય તેમજ હોદ્દેદારોના સગાઓ દ્વારા દખલગીરી અટકાવવા યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ ઉઠાવવામાં આવી છે. વધુમાં મહિલાઓને તાલીમ અને શિક્ષણ દ્વારા સશક્ત બનાવી તેઓ પોતાના હક્ક અને જવાબદારીઓ સારી રીતે સમજી શકે તે માટે સરકાર દ્વારા વિશેષ પ્રયાસ કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી છે. રજૂઆતમાં મહિલાઓના સન્માન અને સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવી છે.