બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કરણપુરા ગામની સીમમાં આવેલી ખેત તલાવડીમાં ડૂબી જવાથી બે શ્રમિક યુવકોના મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મિત્રને બચાવવા ગયેલા બીજા યુવકે પણ જીવ ગુમાવ્યો હોવાની ઘટના લોકોએ ભારે દુઃખ સાથે નિહાળી હતી.
મળતી માહિતી અનુસાર, કરણપુરા ગામના જેતસી પટેલના ખેતરમાં બે યુવકો ખેત મજૂરી કામ કરતા હતા. ગુરૂવારે સાંજના સમયે બંને મિત્રો ખેત તલાવડીની પાળ પર બેઠા હતા. આ દરમિયાન અચાનક એક યુવકનો પગ લપસી જતાં તે તલાવડીના ઊંડા પાણીમાં ખાબક્યો હતો.
મિત્રને ડૂબતો જાઈ બીજા યુવક તરત જ તેને બચાવવા માટે પાણીમાં કૂદ્યો હતો. જાકે તલાવડીનું ઊંડાણ વધુ હોવાને કારણે બંને યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને થરાદ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. આશરે ૪૦ મિનિટની ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ ૧૭ વર્ષીય અરવિંદ માજીરાણા અને ૧૮ વર્ષીય પ્રકાશ માજીરાણા તરીકે થઈ છે. બંને યુવકો મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેઓ રોજગારી માટે ગુજરાતમાં આવી ખેત મજૂરી કામ કરતા હતા. પંચનામાની કાર્યવાહી બાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બે કમાતા દીકરાઓના અકાળે મોતથી પરિવારજનોમાં આક્રંદ મચી ગયો છે. સમગ્ર ગામ અને પંથકમાં આ ઘટનાએ શોકની લાગણી ફેલાવી દીધી છે.









































