અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી જાહેરમાં આપઘાતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રામોલ વિસ્તારમાં આવેલા વન્ડર પોઇન્ટની પાછળ ૩૪ વર્ષીય યુવકે કાચના ટૂકડાથી પોતાના જમણા હાથની નસ કાપીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી ફેલાવી દીધી હતી.
પ્રાથમિક માહિતી મુજબ મૃતકની ઓળખ ઘનશ્યામભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે. ઘટના સમયે આસપાસના લોકોએ યુવકને લોહીલુહાણ હાલતમાં જાયો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ રામોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પીટલ ખસેડ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવકે કાચના ટૂકડાથી પોતાના હાથ પર ગંભીર કાપા મારી આ અંતિમ પગલું ભર્યું હતું. જાકે, આત્મહત્યાના કારણો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. રામોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે. સાથે જ આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવ બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.