પાલોદ નજીકના એક ગામે પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર કલંક લગાવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાવકા પિતાએ પોતાની ૧૫ વર્ષીય સગીર સાવકી પુત્રીને છેલ્લા ત્રણ મહિનાથી વારંવાર બળાત્કારનો ભોગ બનાવી હતી. ધમકીઓ આપીને તેની મરજી વિરુદ્ધ અત્યાચાર ગુજારતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, અન્ય રાજ્યની વતની એક શ્રમિક મહિલા છેલ્લા છ વર્ષથી પાલોદ નજીકના ગામે રહે છે. તેના બીજા પતિ સાથે તેની એક પુત્રી અને બે પુત્રો છે. મહિલાની પ્રથમ પરણેતરથી જન્મેલી ૧૫ વર્ષીય સગીર પુત્રી પણ તેમની સાથે જ રહેતી હતી.
આરોપી સાવકા પિતાએ ઘરમાં કોઈ ન હોય તેવી તકનો લાભ લઈ પહેલી વખત સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ છેલ્લા ત્રણ મહિનાથી તે વારંવાર તેની મરજી વિરુદ્ધ અત્યાચાર કરતો હતો. સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને તે તેની ચૂપકીદી સુનિશ્ચિત કરતો હતો.
ગત ૨૫ મેના રોજ બપોરે સગીરાની માતા રૂમની બહાર બેઠી હતી. આ દરમિયાન આરોપીએ સગીર પુત્રીને એકલી જાઈને ફરી એક વખત તેની સાથે બળાત્કાર કર્યો. આ રોજિંદા અત્યાચારથી ત્રાસી ગયેલી સગીરાએ હિંમત કરીને આખી વાત પોતાની માતાને જણાવી. માતાએ આ સાંભળીને તરત જ પાલોદ પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તરત જ પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. પાલોદ પોલીસ મથકના પીઆઇ એસ. જે. ભાટિયાએ આ બાબતની પુષ્ટિ કરી છે.










































