અમરેલી જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. જે અંતર્ગત અમરેલીના ચીતલ રોડ પરથી ઇકો ગાડીમાં લઈ જવાતો ભારતીય
બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. જો કે, પોલીસને જોઈને ઇકો ગાડીનો ચાલક વાહન અને મુદ્દામાલ મૂકીને નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે દારૂ, ઇકો ગાડી અને મોબાઈલ સહિત કુલ રૂ.૩,૫૯,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.ઘટનાની વિગત મુજબ, ટીંબા ગામથી ચીતલ તરફ જતા રોડ પર આવેલા હરિકૃષ્ણ સરોવરના બોર્ડ પાસેથી એક ઇકો ગાડી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહી હતી. આ ઇકો ગાડીના ચાલકે પોલીસને જોઈને પકડાઈ જવાની બીકે પોતાની ગાડી રસ્તા પર જ મૂકી દીધી હતી અને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ૨૩૦ બોટલ અને બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા.આ ઉપરાંત, જિલ્લામાં હાથ ધરાયેલી અલગ-અલગ ડ્રાઈવ દરમિયાન છ મહિલાઓ સહિત ૩૨ લોકો પાસેથી દેશી દારૂ મળી આવ્યો હતો, જ્યારે ૨૬ લોકો કેફી પીણું પીધેલી હાલતમાં રખડતા ઝડપાયા હતા.








































