અમરેલી એસ.ટી. ડેપો જિલ્લા કક્ષાનો એક અત્યંત મહત્વનો અને વ્યસ્ત ડેપો હોવા છતાં, ત્યાં લાંબા સમયથી મુસાફરો માટે એક મોટી મુશ્કેલી સર્જાઈ રહી હતી. આ ડેપો પરથી દિવસ-રાત અવિરતપણે બસોની અવરજવર ચાલુ રહે છે, પરંતુ આશ્ચર્યજનક રીતે રાત્રિના ૯ વાગ્યા પછી કન્ટ્રોલ પોઈન્ટ તદ્દન બંધ કરી દેવામાં આવતો હતો. કન્ટ્રોલ પોઈન્ટ બંધ થઈ જવાને કારણે રાત્રિના સમયે મુસાફરી કરનારા સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જતા હતા. મોડી રાત્રે આવતી-જતી બસો કયા પ્લેટફોર્મ પર આવશે, ક્યારે ઉપડશે કે કયા રૂટની બસ ક્યારે વહેલી-મોડી છે, તેની સચોટ પૂછપરછ કરવા માટે ડેપોમાં કોઈ જવાબદાર કર્મચારી હાજર મળતા નહોતા. આ ગંભીર બેદરકારીને લીધે મુસાફરોએ કલાકો સુધી અસમંજસની સ્થિતિમાં ભટકવું પડતું હતું.આ ગંભીર સમસ્યા માત્ર મુસાફરોની પૂછપરછ પૂરતી સીમિત નહોતી, પણ તેનાથી ડેપોની શિસ્ત વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જતી હતી. રાત્રિના ૯ વાગ્યા પછી કન્ટ્રોલ પોઈન્ટ બંધ થતાં જ બસના ડ્રાઈવરોને જાણે છુટ્ટો દોર મળી જતો હતો. કન્ટ્રોલ પોઈન્ટ પર કોઈ નોંધ રાખનાર ન હોવાથી ડ્રાઈવરો નિયત પ્લેટફોર્મ પર બસ લાવવાને બદલે ડેપોમાં ગમે ત્યાં મનફાવે ત્યાં બસ ઊભી રાખી દેતા હતા અને મુસાફરોને લીધા વિના જ બસ ઉપાડીને ચાલતા થતા હતા. આ મનસ્વી વર્તનને કારણે રાત્રિના સમયે એસ.ટી. ડેપોમાં ભારે અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાતો હતો. મહિલાઓ, વૃધ્ધો અને નાના બાળકો સાથે મુસાફરી કરતા લોકો પોતાની બસ પકડવા માટે એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર દોડધામ કરવા મજબૂર બનતા હતા.જનતાની આ વેદના અને મુશ્કેલીને વાચા આપવા ‘સંજાગ ન્યૂઝ’ દ્વારા કરવામાં આવ્યું હતું. લોકહિતને સર્વોપરી ગણીને અખબારમાં આ આખી ગેરવ્યવસ્થા અંગે એક વિસ્તૃત અને ધારદાર અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલની નકલ માત્ર અખબાર પૂરતી સીમિત ન રાખતા, એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓ સુધી પણ તાત્કાલિક ધોરણે પહોંચાડવામાં આવી હતી. એસ.ટી.ના ઉચ્ચ અધિકારીઓએ આ અહેવાલને ગંભીરતાથી લીધો અને મુસાફરોની સાચી મુશ્કેલીને ત્વરિત સમજી લીધી હતી. ડેપોમાં રાત્રિના સમયે પણ મુસાફરોની સતત અવરજવર રહેતી હોવાથી અને ડ્રાઈવરો નિયત પ્લેટફોર્મ પર જ બસ ઊભી રાખે તેવા કડક આશય સાથે અધિકારીએ તાત્કાલિક અસરથી એક મોટો અને આવકારદાયક આદેશ જારી કર્યો છે. નવા આદેશ અનુસાર હવે અમરેલી ડેપોમાં રાત્રિના ૯ વાગ્યા પછી પણ આખી રાત કન્ટ્રોલ પોઈન્ટ સતત ખુલ્લો રાખવામાં આવશે અને ત્યાં કર્મચારીઓ ફરજ બજાવશે. આ નિર્ણયને પગલે ગેરશિસ્ત આચરતા ડ્રાઈવરો પર આપોઆપ લગામ કસાશે અને મુસાફરોને તમામ પ્રકારની પૂછપરછનો સંતોષકારક જવાબ રાત્રે પણ મળી રહેશે.
આ ઐતિહાસિક અને લોકઉપયોગી નિર્ણયથી અમરેલીની જનતા અને રાત્રિ મુસાફરોમાં આનંદની હેલી પ્રસરી ગઈ છે અને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે.










































