સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે કુલ રૂ. ૪૨ લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત, બાઢડા ગામે વોરાધાર પાસે રૂ. ૩૯ લાખના ખર્ચે નિર્માણ પામનાર તળાવનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેનાથી ગામતળ અને સીમતળમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. આ ઉપરાંત, ગામમાં રસુલભાઈની વાડી પાસે રૂ. ૩ લાખના ખર્ચે બનેલા નવા કોઝવેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગામડાંઓના સર્વાંગી વિકાસ, પાણી સંગ્રહ અને માર્ગ સુવિધા માટે પ્રતિબધ્ધ છે. આ કાર્યક્રમમાં ભાજપના પદાધિકારીઓ, તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યો, સરપંચો, સહકારી આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.