સુરેન્દ્રનગર જિલ્લામાં એઆઇ ટેકનોલોજીના દુરૂપયોગનો એક ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. જારાવરનગર વિસ્તારમાં એક કોલેજિયન યુવતીના સોશિયલ મીડિયા પરથી ફોટા મેળવી એઆઇ ટેકનોલોજીની મદદથી વાંધાજનક રીતે એડિટ કરીને તેને બ્લેકમેઇલ કરવામાં આવી હતી. આરોપીએ યુવતી પાસેથી રૂ. ૧.૩૦ લાખની ખંડણી પણ વસૂલ કરી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, વઢવાણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આરોપી યુવકે તેના ફોટા મેળવી લીધા હતા. ત્યારબાદ એઆઇ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફોટાને અશ્લીલ અને વાંધાજનક રીતે એડિટ કરવામાં આવ્યા હતા.આરોપીએ એડિટ કરેલા ફોટા યુવતીને મોકલી તેને સોશિયલ મીડિયા તેમજ સગા-સંબંધીઓમાં વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ધમકીઓના કારણે યુવતી ભારે માનસિક તણાવમાં આવી ગઈ હતી.
બદનામીના ડરથી યુવતી આરોપીની બ્લેકમેઇલિંગનો શિકાર બની હતી. આરોપીએ ફોટા ડિલીટ કરવા અને વાયરલ ન કરવાની ખાતરી આપી અલગ-અલગ સમયે નાણાં માંગ્યા હતા. યુવતીએ પહેલા રૂ. ૮૦ હજાર રોકડા આપ્યા હતા અને બાદમાં ઓનલાઈન ટ્રાન્સફર મારફતે કુલ રૂ. ૧.૩૦ લાખ ચૂકવ્યા હતા.
જાકે, લાખો રૂપિયા લીધા બાદ પણ આરોપીની માંગણીઓ અટકી નહોતી. સતત વધતી ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ આખરે સમગ્ર ઘટના પોતાના પરિવારને જણાવી હતી.પરિવારે તરત જ જારાવરનગર પોલીસનો સંપર્ક કર્યો હતો. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવક સામે આઇટી એકટ બ્લેકમેઇલિંગ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ હવે આરોપીની ધરપકડ માટે કાર્યવાહી કરી રહી છે અને તેની પાસેથી મોબાઈલ ફોન તેમજ અન્ય ડિજિટલ પુરાવા કબજે કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.આ ઘટના સોશિયલ મીડિયા પર સક્રિય યુવતીઓ અને યુવાનો માટે ચેતવણીરૂપ બની છે. નિષ્ણાતો લોકો ને પોતાના ફોટા અને વ્યક્તિગત માહિતી ઓનલાઈન શેર કરતી વખતે સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે.