બાબરા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આર. પરમારની ટીમે હાઇવે પર સફળ ઓપરેશન પાર પાડ્‌યું છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાવંડ તરફથી બાબરા આવી રહેલી એક સફેદ રંગની બલેનો કારને ખોડલ જીનીંગ સામે વોચ ગોઠવીને રોકવામાં આવી હતી. આ શંકાસ્પદ કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૮૦ મી.લી.ની કુલ ૯૪૨ પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી. પોલીસે રૂ.૧.૬૦ લાખની કિંમતનો દારૂ અને રૂ.૫ લાખની કાર મળી કુલ રૂ.૬,૬૦,૧૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં બોટાદના કાર ચાલક જયદીપભાઈ દિલીપભાઈ ગોહીલની ધરપકડ કરી ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યારે અન્ય એક આરોપી જયદીપભાઈ ડાયાભાઈ ચૌહાણને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરાઈ છે.