નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈમાં તાજેતરમાં પકડાયેલા કરોડો રૂપિયાના એમડી ડ્રગ્સનું પગેરું હવે નર્મદા જિલ્લાના વરખડ ગામ ખાતે પહોંચ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ કેસનું પગેરું નર્મદા જિલ્લાના વરખડ ગામ સુધી પહોંચતા મુંબઈ પોલીસની એક વિશેષ ટીમે અહીં ધામા નાખ્યા છે.
સ્થાનિક નર્મદા પોલીસના ચુસ્ત સહકાર સાથે મુંબઈ પોલીસે વરખડ ગામમાં આવેલા એક બંધ મકાનમાં મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વરખડ ગામમાં આ બંધ મકાનમાંથી સર્ચ ઓપરેશન દરમિયાન મોટા પ્રમાણમાં નશાકારક સંદિગ્ધ પદાર્થ મળી આવ્યા છે.
આ આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક પાછળ કોનો હાથ છે, વરખડ ગામનું સાથે શું કનેક્શન છે અને આ મકાન કોનું છે, તે અંગે હજી સત્તાવાર માહિતી સામે આવી નથી. જો કે, આ ચકચારી કેસ અંગે મુંબઈ પોલીસ આવતીકાલે મુંબઈ ખાતે વધુ ખુલાસા કરશે. આ ઘટનાને પગલે સમગ્ર નર્મદા જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
નોંધનીય છે કે, મહારાષ્ટ્રના મુંબઈ ખાતે હાલમાં એક ઈસમ નશાકારક પદાર્થના મોટા જથ્થા સાથે ઝડપાયો હતો. મુંબઈ પોલીસે જ્યારે તેની કડક પૂછપરછ હાથ ધરી ત્યારે ડ્રગ્સના આ કાળા કારોબારના તાર ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામ સાથે જાડાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આ ચોંકાવનારી કડી મળતા જ મુંબઈ પોલીસની ટીમે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાં ધામા નાખ્યાં છે.










































