જાફરાબાદના વારાહસ્વરૂપ અને ભાકોદર ગામની સીમમાંથી એક યુવકનો અધ ખાધેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, ભરત મધુભાઈ બારૈયા નામનો યુવક છેલ્લા બે દિવસથી પોતાના ઘરેથી ગુમ હતો. સીમ વિસ્તારમાંથી તેના અર્ધ માનવ અવશેષો મળી આવતા સ્થાનિકોએ વનવિભાગ અને પોલીસને જાણ કરી હતી. મૃતકની હાલત જોતા કોઈ હિંસક વન્યપ્રાણીએ તેને ફાડી ખાધો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વનવિભાગ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ આકસ્મિક ઘટના પાછળ વન્યપ્રાણીનો હુમલો જવાબદાર છે કે પછી મોતનું અન્ય કોઈ કારણ છે, તે દિશામાં વનવિભાગ અને પોલીસે સંયુક્ત તપાસ શરૂ કરી છે. હાલમાં યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.