ગીરના જંગલમાં ફરી એકવાર સિંહો પર કુદરતી આફત આવી પડી છે. અમરેલીના ધારી ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગમાં સી.ડી.વી (કેનાઈન ડિસ્ટેમ્બર વાયરસ) તેમજ બેબસિયા જેવા જીવલેણ રોગના કારણે આઠથી વધારે સિંહોના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. મૃતકોમાં ત્રણ સિંહબાળ અને પાંચ પુખ્ત સિંહોનો સમાવેશ થાય છે. આ વાયરસ મુખ્યત્વે શ્વાનની લાળ દ્વારા વન્ય જીવોમાં ફેલાય છે, જેના કારણે ભૂતકાળમાં પણ વર્ષ ૨૦૧૮ અને ૨૦૨૧માં અનેક સિંહોના જીવ ગયા હતા. વન વિભાગ હાલ સંપૂર્ણ હાઈ એલર્ટ પર છે અને ધારીની સરસિયા રેન્જમાંથી આઠ સિંહોના ગ્રુપને રેસ્ક્યૂ કરી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યું છે. બીમાર અને અશક્ત સિંહોનું સતત મોનિટરીંગ કરીને સેમ્પલ લેવાની પ્રક્રિયા ચાલુ છે. જોકે, પીસીસીએફ જયપાલ સિંહે જણાવ્યું છે કે ગભરાવાની જરૂર નથી, સિંહબાળના મોત ઓછી ઇમ્યુનિટી અને ન્યુમોનિયાને કારણે થયા છે, જ્યારે અન્યના મોત કુદરતી કે ઇન-ફાઇટમાં થયા છે.









































