બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે એક વૃધ્ધાએ લાંબા સમયની બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હતું. ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની તકલીફથી પરેશાન ૬૫ વર્ષના વૃધ્ધાએ અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા, સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું.ચેતનભાઇ પોપટભાઇ દુધાત (ઉ.વ. ૩૬)એ જાહેર કર્યા મુજબ, દિવાળીબેન પોપટભાઇ દુધાત (ઉ.વ. ૬૫) છેલ્લા ઘણા સમયથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની ગંભીર બીમારીઓથી પીડાતા હતા. આ ઉંમરે સતત રહેતી શારીરિક તકલીફો અને બીમારીથી તેઓ માનસિક રીતે કંટાળી ગયા હતા. આ અસહ્ય બીમારીના કંટાળામાં તેમણે ગઈકાલે પોતાના ઘરે અનાજમાં મૂકવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. જે બાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. એલ. ખેર વધુ તપાસ કરી રહ્યા છે.









































