ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે ટાઉનહોલ ખાતે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે કરાયું હતું. આ તકે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, ભાજપ અગ્રણી
વી.ડી.પટેલ, ભાજપના પદાધિકારીઓ, નગરસેવકો અને શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ચાપાતર, ગણેશપરા તથા સંજયનગર આઉટગ્રોથ વિસ્તારમાં સી.સી. રોડ, પાણીની લાઇન અને સ્ટ્રીટ લાઇટના પૂર્ણ થયેલ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગ્રેબ બકેટ મશીન અને જેટીંગ મશીનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ડો. માંડવીયાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર લોકહિતના કામો કરવા અને છેવાડાના માનવી સુધી સાર્વજનિક સેવાઓ મળી રહે તેવા અભિગમ સાથે સરકાર કામગીરી કરે છે. આ ઉપરાંત તેમણે પેટ્રોલ-ડીઝલનો બિન જરૂરી વ્યય ન કરવા અનુરોધ કર્યો હતો.










































