અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળીયા ગામના ભાવનાબેન સુખડીયાએ તાલુકા વિકાસ અધિકારી TDOને પત્ર પાઠવી ૨ જૂન ૨૦૨૬થી ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે. રજૂઆત મુજબ, તાલુકા પંચાયતના મદદનીશ ઈજનેર તુષાર કેસરી ભ્રષ્ટાચારના હેતુથી છેલ્લા ૩ મહિનાથી વિવિધ ગ્રામ પંચાયતોના વિકાસ કામોના બિલ અટકાવી રહ્યા છે. અગાઉ કરાયેલી ફરિયાદના રાગદ્વેષમાં ઈજનેરે દેવભૂમિ દેવળીયા સહિતના ગામોના એસ્ટીમેન્ટ અને એમ.બી. રેકર્ડ જેવી ફાઈલો ગુમ કરી સરપંચોને હેરાન કર્યા છે.પત્રમાં આક્ષેપ છે કે આ કર્મચારી નાણાકીય તોડ કરવા માટે વિઠ્ઠલપુર ખંભાળીયા અને પાણીયા ગ્રામ પંચાયતના કમ્પ્લીશન સર્ટીમાં ખોટી નોંધો કરી બ્લેકમેલ કરે છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા, જો આગામી ૭ દિવસમાં આ ગંભીર બાબતનો યોગ્ય નિકાલ નહીં આવે તો તાલુકા પંચાયત કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરાશે. આ અંગેની નકલ જિલ્લા કલેક્ટર અને એસ.પી.ને પણ મોકલાઈ છે.