સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમમાં સુરત શહેરના ભવ્ય ઇતિહાસ અને તેની અનોખી સંસ્કૃતિની ચર્ચા કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું કે, સુરત ૧૧મી સદીથી વિકસતું આવ્યું છે. રાંદેર કરતાં નાનું હોવા છતાં, ભૌગોલિક પરિસ્થિતિને કારણે તે મોટું દરિયાઈ વેપારી મથક અને ‘સોનાની મુરત’ બન્યું. સુરત ૧૮૫૨માં ભારતની બીજી નગરપાલિકા બન્યું હતું, તેમજ અહીં પ્રથમ ગુજરાતી-અંગ્રેજી શાળા, પ્રથમ અખબાર (ગુજરાત મિત્ર) અને પ્રથમ ટોલટેક્સ (હોપપુલ) શરૂ થયા હતા. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલભાઇ મદ્રાસીએ જણાવ્યું કે, ૧૫મી-૧૬મી સદીમાં સુરતમાં ૮૪ દેશોના ધ્વજ ફરકતા હતા. આજે તે ‘મીની ભારત’ તરીકે ઓળખાય છે, જ્યાં ૨૬ રાજ્યોના લોકો વસે છે. થાઈલેન્ડમાં પણ સુરત પરથી નદી અને શહેરનું નામ રખાયું છે. કાર્યક્રમમાં ખોડલધામના અનારબેન પટેલે પણ હાજરી આપી આ પ્રવૃત્તિને બિરદાવી હતી.










































