સાવરકુંડલામાં મહુવા રોડ પર આવેલા એસ.ટી. બસ સ્ટેન્ડની પોલીસ ચોકી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓની પ્રમાણિકતાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાની માહિતી અનુસાર, આ ચોકી ખાતે ૧૧૨ (ઇમરજન્સી સેવા) અંતર્ગત ફરજ બજાવતા કર્મચારીઓ પિયુષભાઈ ઠાકર અને કેતનભાઈ પંડ્‌યા ફરજ પર હાજર હતા. આ દરમિયાન બસ સ્ટેન્ડની નજીકથી પસાર થતા કેતનભાઈ પંડ્‌યાને રોડ પર બિનવારસી હાલતમાં પડેલી એક પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી, જેમાં કિંમતી સરકારી અને અંગત ડોક્યુમેન્ટ્‌સ રહેલા હતા. આથી તે જોઇને બંનેએ તુરંત જ આ દસ્તાવેજોના મૂળ માલિકની શોધખોળ આદરી હતી. આ અગત્યના દસ્તાવેજો કાળુભાઈ ગજેરાના હોવાનું જણાયું હતું.
તેમણે પછી તરત જ કાળુભાઇનો સંપર્ક સાધીને ચોકી ખાતે બોલાવીને ચકાસણી બાદ સન્માનપૂર્વક પરત કર્યા હતા. પોતાના કિંમતી દસ્તાવેજો સુરક્ષિત પરત મળતા કાળુભાઈએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમણે બંને પ્રત્યે ઈમાનદારી, તત્પરતા અને ઉત્કૃષ્ટ કર્તવ્યનિષ્ઠા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.