અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી ગુજરાત ટાઈટન્સની મેચ નિહાળવાનો અનોખો અવસર કલામ ઈનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયો હતો. શાળા દ્વારા ખાસ આયોજન કરીને ૮૦થી વધુ વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ક્રિકેટ મેચનો જીવંત અનુભવ કરાવવામાં આવ્યો હતો. આ પ્રવાસ ગામડાંના અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો માટે જીવનનો પ્રથમ અને ક્યારેય ન ભૂલાય તેવો યાદગાર પ્રસંગ બન્યો હતો. ગુજરાત ટાઈટન્સ દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં પાંચ પ્રજ્ઞાચક્ષુ અને બહેરા-મૂંગા બાળકોને પણ સામેલ કરવામાં આવ્યા હતા, જેથી તેઓ આ રમત મહોત્સવનો આનંદ માણી શકે. મેચ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના મનપસંદ ક્રિકેટરો માટે પ્રોત્સાહક પોસ્ટરો પ્રદર્શિત કરીને ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.









































