જાફરાબાદ તાલુકાના પાટી માણસા ગામે ગાયનો વાછરડો વેચી દેવા બાબતે ઠપકો આપવા ગયેલા એક યુવક પર ત્રણ શખ્સોએ એકસંપ થઈ ગાળો ભાંડી, ઢીંકાપાટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડ્‌યાની ઘટના સામે આવી છે. આ મામલે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી.શક્તિરાજભાઈ શિવરાજભાઈ વરુ (ઉ.વ. ૨૫)એ બાબુભાઈ સામતભાઈ બારૈયા, સામતભાઈ હમીરભાઈ બારૈયા તથા દિનેશભાઈ મેઘાભાઈ બારૈયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે આજથી આશરે એકાદ વર્ષ પહેલાં ગામના જ બાબુભાઈ બારૈયા પાસેથી રૂ. ૫,૦૦૦ની કિંમતે ગાયનો એક વાછરડો વેચાતો લીધો હતો. આ વાછરડો હજુ નાનો હોવાથી તે મોટો થાય ત્યાં સુધી ફરિયાદીએ તેને આરોપી બાબુભાઈના ધણમાં જ ચરાવવા માટે રાખ્યો હતો. જોકે, આરોપી બાબુભાઈએ તેમને જાણ કર્યા વગર જ આ વાછરડો અન્ય ગામના કોઈ વ્યક્તિને વેચી દીધો હતો. આ બાબતની જાણ થતાં તેઓ આરોપી બાબુભાઈ પાસે ગયા હતા અને પોતાની જાણ બહાર વાછરડો વેચી દેવા બાબતે ઠપકો આપ્યો હતો. પોતાની ભૂલનો સ્વીકાર કરવાને બદલે આરોપી બાબુભાઈને આ ઠપકો ગમ્યો ન હતો અને તેમણે ગાળાગાળી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન ત્યાં હાજર અન્ય બે આરોપીઓ સામતભાઈ બારૈયા તથા દિનેશભાઈ બારૈયા પણ ધસી આવ્યા હતા અને શક્તિરાજભાઈને પકડી રાખી બેફામ ગાળો આપી ઢીંકાપાટુનો આડેધડ માર માર્યો હતો.સામા પક્ષે બાબુભાઈ સામતભાઈ બારૈયાએ પણ શક્તિરાજભાઈ શિવરાજભાઈ વરુ તથા શિવરાજભાઈ વરુ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું
છે કે, શક્તિરાજભાઈને તેમની પાસેથી ગાયનો વાછરડો વેચાતો લેવો હતો, પરંતુ તેમણે (બાબુભાઈએ) પોતાના ફુઈના દીકરા કનુભાઈને આ વાછરડો વેચી દીધો હતો. જે વાતનું મનદુઃખ રાખી આરોપીઓએ તેમને લાકડાના ધોકા વડે જમણા તથા ડાબા હાથના ખભા પર મૂઢમાર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી, તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.