વડિયા કુંકાવાવ તાલુકો વિવિધ ડેમોના કારણે વન્ય પ્રાણીઓ અને પશુ-પંખીઓ માટે અનુકૂળ વસવાટ વિસ્તાર બની રહ્યો છે. અહીં સિંહ સહિતના વન્યજીવો વસે છે. એક તરફ પર્યાવરણ પ્રેમીઓ આ જીવોનું જતન કરે છે, તો બીજી તરફ શિકારની પ્રવૃત્તિઓ પણ સામે આવી રહી છે. તાજેતરમાં વન વિભાગે બાતમીના આધારે સતત એક મહિના સુધી સઘન પેટ્રોલિંગ અને વાચ ગોઠવીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન હનુમાન ખીજડીયા ગામના જોરૂભાઈ દેવીપૂજકના ઘરેથી પિંજરામાં પૂરેલા સાત જીવતા તેતરના બચ્ચા મળી આવ્યા હતા. વન વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને વન્યજીવ સંરક્ષણ ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને રૂપિયા ૨૫,૦૦૦ નો દંડ ફટકાર્યો હતો. વનરક્ષક એચ. ડી. રાખોલિયા, વનપાલ એસ. પી. તેરૈયા અને ટ્રેકર મનીષભાઈ ગગીયાની આ કામગીરીને વડિયા વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓએ બિરદાવી હતી.