આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જાડાયેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપલા ગૃહની પિટિશન કમિટીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને આ સમિતિનું પુનર્ગઠન કર્યું છે અને તેમાં દસ સભ્યોની નિમણૂક કરી છે. રાઘવ ચઢ્ઢાની આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં છે.
રાજ્યસભા સચિવાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર જાહેરનામામાં આ નિમણૂકની પુષ્ટિ કરવામાં આવી છે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને ૨૦ મેથી અરજી સમિતિનું પુનર્ગઠન કર્યું છે. રાઘવ ચઢ્ઢાને આ મહત્વપૂર્ણ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાઘવ ચઢ્ઢા છેલ્લા કેટલાક સમયથી તેમની રાજકીય પ્રવૃત્તિઓને કારણે સમાચારમાં છે.
રાઘવ ચઢ્ઢા ઉપરાંત, આ ૧૦ સભ્યોની સમિતિમાં દેશભરના ઘણા અન્ય અગ્રણી સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિના અન્ય સભ્યોમાં હર્ષ મહાજન, ગુલામ અલી, શંભુ શરણ પટેલ, મયંકકુમાર નાયક, મસ્તાન રાવ યાદવ બીઢા, જેબી માથેર હિશામ, શુભાશિષ ખુંટિયા, રોંગવારા નરઝારી અને સંદોષ કુમાર પી છે. આ સમિતિ રાજ્યસભામાં આવતી વિવિધ અરજીઓ અને જાહેર હિતના મુદ્દાઓ પર વિચાર કરે છે.
એક અલગ સૂચનામાં, રાજ્યસભા સચિવાલયે માહિતી આપી હતી કે અધ્યક્ષે ૨૦ મે, ૨૦૨૬ ના રોજ રાજ્યસભા સભ્ય ડા. મેનકા ગુરુસ્વામીને પણ એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. તેમને કોર્પોરેટ કાયદા (સુધારા) બિલ, ૨૦૨૬ પર સંયુક્ત સમિતિના સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. આ બિલ કોર્પોરેટ ક્ષેત્રને લગતા નિયમોમાં સુધારો કરવાનો પ્રયાસ કરે છે.