વાપી નજીક ભંગારના ગોડાઉનની આડમાં ચાલતો નશાનો કાળો કારોબાર ઝડપાયો છે. વાપી નજીક આવેલા કુંતા ગામમાં ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજી સંયુક્ત ઓપરેશન દરમિયાન ૭૧ લાખથી વધુ કિંમતનું મેફેડ્રોન (એમડી ડ્રગ્સ) જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓ પાસેથી ડ્રગ્સ બનાવવાની અને પ્રોસેસ કરવાની સામગ્રી પણ મળી આવી છે. આ ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, વાપી નજીક કુંતા ગામ ખાતે આવેલા એકે સ્ટીલ સપ્લાયર્સ” નામના ભંગારના ગોડાઉન ઓફિસમાં ગેરકાયદેસર રીતે મેફેડ્રોન ડ્રગ્સની પ્રોસેસ કરવામાં આવતી હતી. ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે વલસાડ એસઓજી સાથે સંયુક્ત રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન ગોડાઉનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રહેલા મેફેડ્રોનને સુકવવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે સ્થળ પરથી કૂલ ૨.૩૭૭ કિલોગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજાર મુજબ તેની અંદાજિત કિંમત રૂપિયા ૭૧ લાખ ૩૧ હજારથી વધુ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આ સાથે ડ્રગ્સ બનાવવામાં ઉપયોગી કેમિકલ અને અન્ય સાધનો પણ કબજે લેવામાં આવ્યા છે. પોલીસે ડ્રગ્સ સાથે જાડાયેલા પુરાવાઓ સીલ કરી વધુ તપાસ માટે મોકલ્યા છે.
આ સમગ્ર મામલે પોલીસે મેહુલ મકવાણા અને અબ્દુલ કલામ ખાન નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ ગોડાઉનમાં પ્રવાહી મેફેડ્રોનને સુકવી તેને વેચાણ માટે તૈયાર કરવાની કામગીરી કરતા હતા. ઝડપાયેલા આરોપીઓમાંથી એક દમણનો રહેવાસી છે જ્યારે બીજા વાપીનો હોવાનું સામે આવ્યું છે. કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી પાંચ મોબાઈલ ફોન, ત્રણ વજન કાંટા તેમજ ડ્રગ્સ પ્રોસેસિંગ માટે ઉપયોગમાં લેવાતી વિવિધ સામગ્રી કબજે કરી છે. પોલીસ માને છે કે આરોપીઓ લાંબા સમયથી આ ગેરકાયદેસર કારોબાર સાથે સંકળાયેલા હોઈ શકે છે. મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોના આધારે વધુ નેટવર્ક અને સંપર્કોની માહિતી મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે એફએસએલની મદદ લીધી છે. જપ્ત કરાયેલા કેમિકલ, ડ્રગ્સ અને અન્ય સામગ્રીના નમૂનાઓ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તપાસ દરમિયાન ડ્રગ્સ ક્્યાંથી લાવવામાં આવતું હતું અને કોને સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે આ ડ્રગ્સ રેકેટના તાર ગુજરાત ઉપરાંત દમણ અને અન્ય રાજ્યો સુધી જાડાયેલા હોઈ શકે છે. આરોપીઓના સંપર્કો, બેંક ટ્રાન્ઝેક્શન અને કોલ ડિટેઇલ્સના આધારે વધુ લોકોની સંડોવણી બહાર આવી શકે છે. એટીએસ અને એસઓજીની ટીમ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે સતત તપાસ આગળ વધારી રહી છે.
તાજેતરમાં રાજ્યમાં મેફેડ્રોન સહિતના સિન્થેટિક ડ્રગ્સના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાં થયેલી આ કાર્યવાહી પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે યુવાનોને નશાની લતથી બચાવવા માટે આવા ગેરકાયદેસર કારોબાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
વલસાડ જિલ્લા પોલીસ અધીક્ષક યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વાપી નજીક દમણની બોર્ડર પાસે આવેલા કુંતા ગામ પાસે ભંગારના ગોડાઉનમાંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું. બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.