ગુજરાત ભાજપમાં ઉપરથી શાંત દેખાતો આંતરિક વિખવાદ ફરી એકવાર જ્વાળામુખીની જેમ ફાટ્યો છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા નીતિન પટેલ વિરૂદ્ધ મહેસાણા ભાજપના જ કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની એક સળગતી ઓડિયો ક્લિપ વાયરલ થતાં પ્રદેશના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ મહેસાણાથી લઈને ગાંધીનગર સુધીના રાજકીય ગલિયારાઓમાં ગરમાવો આવી ગયો છે.
વાયરલ થયેલી આ વિવાદિત ઓડિયો ક્લિપમાં કોર્પોરેટર ચંદ્રકાંત પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ માટે માત્ર બેફામ અપશબ્દો જ નથી બોલી રહ્યા, પણ નીતિનભાઈની રાજકીય કારકિર્દી પોતે જ ખતમ કરી હોવાની અહંકારભરી ડંફાસો પણ મારી રહ્યા છે. ભાજપના જ એક સીનિયર કદાવર નેતા વિરૂદ્ધ પોતાની જ પાર્ટીના કોર્પોરેટર દ્વારા આ પ્રકારની ભાષાનો પ્રયોગ થતાં પક્ષની શિસ્ત સામે પણ સવાલો ઊભા થયા છે.
આ વિવાદિત ઓડિયો વાયરલ થયા બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મૌન તોડ્યું છે અને સામો મોટો ધડાકો કર્યો છે. નીતિન પટેલે મીડિયા સમક્ષ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે વાયરલ થઈ રહેલી આ ઓડિયો ક્લિપ આજની નથી પરંતુ ૫ વર્ષ જૂની છે. નીતિન પટેલે દાવો કર્યો છે કે ગઈકાલે જ તેમને ૫ વર્ષ જૂનો વધુ એક ઓડિયો મળ્યો છે, જેમાં આ જ કોર્પોરેટર (ચંદ્રકાંત પટેલ) ભાજપના જ સત્તાવાર ઉમેદવારને હરાવવાની ગંદી રમત રમી રહ્યો છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યો છે.
નીતિનભાઈએ અત્યંત દુઃખ અને આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, જે ચંદ્રકાંત પટેલને તેમણે ભૂતકાળમાં વ્યવસાય અને રાજકારણમાં આટલી મોટી મદદ કરી, તેને આગળ લાવ્યા, તે જ વ્યક્તિ આજે તેમની પીઠ પાછળ ખંજર ભોંકી રહ્યો છે.
નીતિન પટેલે આ મામલે સંગઠન સામે નારાજગી વ્યક્ત કરતા સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે, પક્ષના સત્તાવાર ઉમેદવારને હરાવવાનું ષડયંત્ર રચનાર અને પક્ષ વિરોધી કામગીરી કરનાર આવા તત્વો સામે ભાજપ હાઈકમાન્ડ દ્વારા તાત્કાલિક અને કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવે.