સાવરકુંડલાના કાણકિયા કોલેજના ધાર વિસ્તારમાં છેલ્લા ૨૫ વર્ષથી પશુપાલન અને દૂધ વિતરણના વ્યવસાય સાથે સંકળાયેલા ભોળાભાઈ જાડાભાઈ ડાંગરના ૧૧ સભ્યોનો પરિવાર હાલ ભારે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. ઘરના મોભી ભોળાભાઈ પોતે કેન્સરની ગંભીર બીમારીથી પીડિત છે અને પરિવાર આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યો છે, તેવામાં છેલ્લા એક મહિનાથી તેમના ઘર નજીક આવેલા લીમડાના વૃક્ષ પર મોટી મધમાખીઓએ ડેરા જમાવ્યા છે.આજે સવારે પરિવારના એક મહિલા લીમડાના વૃક્ષ નીચે બેઠા હતા, ત્યારે અચાનક મધપૂડામાંથી ૧૦ થી ૧૨ મધમાખીઓએ તેમના પર હુમલો કર્યો હતો. મહિલાએ જીવ બચાવવા બાથરૂમ તરફ દોટ મૂકી હતી. આ કટોકટીની પળે ભોળાભાઈએ અદ્‌ભુત સમયસૂચકતા વાપરી પાણીની મોટર ચાલુ કરી પાઈપ વડે પાણીનો મારો ચલાવ્યો હતો, જેના કારણે મધમાખીઓ વિખેરાઈ ગઈ હતી અને મહિલાનો બચાવ થયો હતો જોકે, મહિલાને ઈજાઓ પહોંચી છે.આ ઘટનાથી પરિવાર અને બાળકોમાં ભારે દહેશત વ્યાપી છે. ભોળાભાઈએ આ અંગે નગરપાલિકાના સદસ્યને રજૂઆત કરતાં તેમણે “આ અમારા કાર્યક્ષેત્રમાં ન આવે, વન વિભાગનો સંપર્ક કરો” કહીને જવાબદારીમાંથી હાથ ધોઈ નાખ્યા હતા. ત્યારબાદ ભોળાભાઈએ વન વિભાગનો સંપર્ક સાધતા, ત્યાંથી કોઈ સરકારી મદદ આપવાના બદલે એક ખાનગી વ્યક્તિનો નંબર પધરાવી દેવાયો હતો. દુર્ભાગ્યે, તે ખાનગી વ્યક્તિનો સંપર્ક કરતાં જાણવા મળ્યું કે તેઓ હાલ કોઈ સામાજિક પ્રસંગમાં વ્યસ્ત છે.