અમરેલીમાં કવિ રમેશ પારેખ દ્વારા સ્થાપિત સાહિત્યિક સંસ્થા ‘મુદ્રા’નો પુનઃ પ્રારંભ પૂજ્ય મોરારીબાપુ પ્રેરિત ‘સત્ય પ્રેમ કરુણા ટ્રસ્ટ’ ના સંચાલન હેઠળ થયો છે. ‘અમરેલી ઘરાના’ને પુનર્જીવિત કરવાના આ ઉપક્રમનું ઉદ્ઘાટન મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ કર્યું હતું, જ્યારે સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાએ આ ઘટનાને ઐતિહાસિક ગણાવી હતી. રસિલાબેન પારેખની ઉપસ્થિતિમાં કવિ વિનોદ જોશીએ રમેશ પારેખની કવિતાઓની વિશેષતા જણાવી હતી. આ પ્રસંગે યોજાયેલા ‘શબ્દપર્વ’ના કવિ સંમેલનમાં રાજેન્દ્ર શુક્લ, વિનોદ જોશી, મનોહર ત્રિવેદી, અરવિંદ ભટ્ટ અને ભાવેશ ભટ્ટ જેવા મૂર્ધન્ય કવિઓએ અદ્ભુત કાવ્ય પ્રસ્તુતિ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં સાહિત્ય અને રાજકીય ક્ષેત્રના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.









































