હવાની ઓઢણી ઉપર બેસીને ફરી એકવાર સાદ વહી આવ્યો હતો. ,દબાયેલો પરંતુ કાનોકાન સાંભળી શકાય તેવો..!
“રૂપાઆ….” અને એ ચોંકી હતી.કેમ કે હવે ભ્રમ નહોતો. તેણે અવાજની દિશા ને શોધતા આગળ જોયું.પણ કોઈ દેખાયું નહીં. તેણે પાછળ જોયું.
એક પુરૂષમૂર્તિ ઊભી હતી.
ભીના વસ્ત્ર! ગોળાકાર પ્રતિભાશાળી ચહેરો. વાંકડિયા વાળનો જથ્થો, આછી આછી દાઢી. ખભે “શ્રીકૃષ્ણ શરણમ્ મમઃ” લખેલી કાળી શાલ, અમી ભરેલી આંખો પણ એની ઉપર કાળી ફેમના ચશ્માં..!
ઓહ… એ થંભી ગઈઃ એ?
એ જોતી જ રહી ગઈ…બસ જોતીજ રહી ગઈ. એક પછી એક સેકન્ડ વીતતી ગઈ.અને પછી તો સમય એક જ ધક્કા સાથે એક સામટો પાછળ ધકેલાઈ ગયો.વીતી ગયેલા વરસોના પડ એક પછી એક ઉખળવા લાગ્યા!
પચ્ચીસ વરસ પલકમાં જ વીતી ગયા. ધરબાઈ ગયેલી માટીની ખેંપટ ઉડી. અને આંખો ડળક… ડળક…. થઈ ઉઠી! વરસોના રેલા ધીમે ધીમે કરતા પાતળી પાંપણને છેદીને છેક બહારેય ધસી આવ્યા અને ભીને વાન ગાલ ઉપર પણ રેલાઈ વળ્યા.
હવા સ્થિર થઈ ગઈ. ગંગામૈયાનો પ્રવાહેય જાણે સ્થિર થઈ ગયો. પૃથ્વી ફરતી ફરતી સ્થિર થઈ ગઈ. સઘળા જીવ સ્થિર થઈ ગયા. બસ…ગતિમાં તો હતી માત્ર ચાર આંખો.!
વાણીથી કશું બોલાયું નહીં. અને રૂંગા કંઠે અટકી ગયા.! શબ્દની જગ્યા એ અવાચકતાએ સ્થાન લીધું અને નાભિમાંથી એક સામટા ચાર હોઠોમાંથી ત્રણ ફૂલ ખર્યા.
“તું?”
“તમે?”
” તમે??”
સાથે રહેલી પેલી બન્ને સ્ત્રીઓ અજૂગતી દૃષ્ટિથી આનંદને તાકી રહી. મનોમન ગણતરી કરતી રહી કે બાઈનો આ ભાઈ સાથેનો સંબંધ શું હશે?
…આનંદે “તું? અહીં? એકસામટા કેટલાયે પ્રશ્નો પૂછી નાખ્યા: ‘તું? અહીં? હરિદ્વારમાં? ઓળખાણ પડે છે કે? કોણ છું? ઓળખી ગઈ? ક્યાંથી આવી?’ ક્યાં છે તું? જાતરાની બસ બાંધીને નીકળ્યા છો? કેટલા દિવસથી છો?
…શું બોલવું? રૂપાને સમજાયું નહીં. એની નજરો નીચે ઝૂકી ગઈ. મનોમન તીવ્ર દ્વંદ્વ અને પીડાથી વિચારી રહી : એમને શું જવાબ આપવો? હા, ના કે પછી બધું જ કહુ પણ કેમ કહુ?
….આનંદ એની ઝૂકી ગયેલી નજર, હમણાં જ પોતાની સામે જોઈને કશુંક બોલશે તેની વ્યર્થ પ્રતીક્ષા કરતો રહ્યો. દરમિયાન પેલી બન્ને સ્ત્રીઓની દૃષ્ટિ ઔર તીક્ષ્ણ થઈ. અને આનંદના ચહેરામાં કોઈ છપાયેલી ઓળખાણ ઉકેલવામાં પ્રવૃત્ત થઈ. જયારે રૂપાની નજર તો હજી નીચી જ હતી, ઉતરી રહેલા પગથિયા પર! અને પગથિયાંને સ્પર્શીને વહી જતી ગંગાના પ્રવાહ પર…!
– તમે ક્યાં ગામના ભૈ?
પેલી સ્ત્રીઓએ લાગલું જ આનંદને પૂછ્યું. પરંતુ તે સવાલનો જવાબ આપવાને બદલે આનંદે વળતું એમને પૂછ્યું: ‘તમે ક્યાંના?
“અમે તમને પૂછીએ છીએ. ભૈ.” પેલી સ્ત્રીઓ થોડી સત્તાણ થઈ ગઈ. પણ થીજી ગયેલી એ પળોને સાચવી લેવી જરૂરી હતું નહીંતો વાતનું વતેસર થઈ જાય…ને આ બન્ને કૈંક જૂદુ જ ધારી બેસે. એટલે વચ્ચે પડીને રૂપાએ વાતુંના દોરા ને અધવચ્ચેથી સાંધી દેતા કહ્યું ઃ “અરે એ તો અમારા ગામના, મારા પિયરના છે.”
પછી પળ બે પળ આનંદ સામે તાકી રહી. જાણે કહેતી હોય કે તમે અહીંથી નીકળો તો સારી વાત છે. નહીંતર આવડી આ બેય જણીયું મને વીંખી ખાશે.!
મનની વાત મનના મળેલાં સિવાય કોણ જાણે?
મન કળી ગયું. મોધમ ઈશારો કર્યો.
સામેય પણ મન થોડું અજાણ્યું હતું? આંખની પલકો ઢળી ગઈ. સ્વીકાર હતો કદાચ. અને સ્વાગત પણ!
ચાર-પાંચ પગથિયાં છેક નીચે ઉતરી આવેલો આનંદ ધીમે ધીમે પગથિયાં ચડયો તો ખરો પણ પાછું ફરીને જોયા વગર તો ના જ રહેવાયું. અને રહેવાય પણ નહીં.ને??! માલિકે મનખાની અંદર જો માયા અને મમતા મૂક્યા જ નહોત તો આ જગત ચાલેત જ નહીં ને!!
– પણ પાછું વળીને જોવામાં પેલી બન્ને સ્ત્રીઓની નજરમાં જાણે ચોરી પકડાઈ ગઈ. એ થંભી ગયો, કાન સરવા કરીને! કેમ કે પેલી ડાબી જમણી બાજુએ ઊભી રહીને રૂપાને ઘેરી લઈને પૂછતી હતી ; “તેં હૈ અલી બઈ, તારા પિયરનો હતો, તો ઓળખવામાં કેમ મોડું થયું?
– આટલા વરસે મળ્યા તો પછી. કેટલા વર્ષ થયા? પચ્ચીસ..
….રૂપાએ દબાતે અવાજે પોતાને પોતે પોતાના જ પ્રશ્નોનો જવાબ વાળતા પેલી બન્ને ગોઠણને કહ્યું ઃ “ભૂલી જ જવાય ને?”
“…ના, બઈ. એ તને ભૂલ્યો નહોતો હોં! એણે તો તું કહે છે એમ પચ્ચીસ વરસમાં ઘડીએ ઘડીભર યાદ રાખી હશે તને! તેં નહોતું જોયું, પણ અમે જોયું તું..! કે એ તને કેવી નજરે જોતો હતો? ખબર છે તને?”
‘હવે બાપા, મૂકોને બધી માથાકૂટ..મળ્યાં તો મળ્યાં, મને શું ખબર કે આ ગંગાને ઘાટે જ મળી જશે. હોય એ તો ભૈ! ગામનું કૂતરૂંય પરદેશ મળી જાય તો આપણી સંગ થઈ જાય, છોડે નહીં. તમારેય પિયરમાં પાડોશમાં રહેતા કોઈ આદમી પુરૂષ નહીં મળ્યાં હોય કોઈ દિવસ?
રૂપાનાં આ પ્રતિસવાલે હવે પેલી બાઈઓએ રૂપાનો ખેધો મૂક્યો. પગલાં તો ત્યાં જ અટકયા હતા.!
પેલી બન્નેની નજર ચૂકવીને પાછુ વળીને જોઈ લીધું: હાશ! નહાતા નહાતા પીઠ અવળી બાજુએ ફેરવી અને મોઢું પગથિયા ભણી જ રાખ્યું. પેલી બન્ને તો હવે ગંગામૈયાના પૂરપાટ વહેતા પ્રવાહમાં સ્નાનનો આનંદ લઈ રહી હતી અને પોતે આ તરફ….
ક્ષણે ક્ષણ ચોરી છૂપીથી સામે ગંગાનદીના મંદિરની પગથાર તરફ જોવાઈ જતું હતું. એ ધીરે ધીરે ચાલતો ચાલતો સામે મંદિર તરફ જઈ રહ્યો હતો એ આડી નજર કરીને જોઈ લીધું હતું. પેલી ગોઠણોને ભલે તેણે એમ કહ્યું કે, પચ્ચીસ વરસે તો ભૂલી જ જવાયને કોઈને?
પરંતુ એ અત્યારે પોતેજ પોતાના મનને પૂછી બેઠીઃ “ક્યારે ભૂલાયો જ હતો એ? હરથડી, હરપલ યાદ આવતો હતો. એકેય દિવસ એવો ઊગ્યો નહોતો કે એ દિવસમાં એકેય વાર એ યાદ ન આવ્યો હોય! એમાંય જયારે માથે દુઃખ પડ્યા, વેળા વેળાની તડકી પડતી હતી ત્યારે તો એ બહુ યાદ આવતો હતો કારણ કે એણે એની હથેળિયુંના છાંયો કરીને પોતાને સાચવી જાણી હતી. એ જણને કેમ ભૂલાય?
ભૂલાય? તેણે પોતાની જાતને જ પૂછ્યું અને પેલી બંનેની નજર ચૂકવીને પાછળ જોઈ લીધું. એ આ તરફ જ જોતો હતો.એ નજરો ને મન ઃચક્ષુ એ જોઈ લીધી અને એક મીઠો ખળભળાટ તેના તનમનમાં ફરી વળ્યો..(ક્રમશઃ)










































