ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ફીચવાડા ગામે ૧૪ અને ૧૫ મેની રાત્રે અજાણ્યા તસ્કરોએ મકાનમાં ઘૂસી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અંદાજે ૨૫ લાખ રૂપિયાની ચોરી આચરી હતી. ત્યારબાદ અછાલીયા ગામે પણ સમાન પ્રકારની ઘરફોડ ચોરીની ઘટના સામે આવી હતી. બંને ગુનાઓને ગંભીરતાથી લઈ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે દિનેશ પટેલીયા અને ખાટાભાઈ વાઘેલા નામના બે શખ્સો આ ચોરીઓમાં સંડોવાયેલા છે અને તેઓ અંકલેશ્વરના બકરા બજાર વિસ્તારમાં ફરતા જાવા મળ્યા છે. જેના આધારે એલસીબીએ બંનેને ઝડપી પાડી પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે બંને આરોપીઓ કેરીની સીઝનમાં આંબાવાડી ભાગે રાખવાનું કામ કરતા હતા. આ દરમિયાન તેઓ અન્ય સાગરીતો સાથે મળી ગામડાઓમાં મહિલાઓના વાળની ઘુંચ ખરીદવાના બહાને ફરી બંધ મકાનોની રેકી કરતા હતા. ત્યારબાદ રાત્રિના સમયે મકાનોમાં પ્રવેશી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા.
આરોપીઓએ ફીચવાડા ગામે રસોડાની બારી મારફતે ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી હતી, જ્યારે અછાલીયા ગામે ડીજેના મોટા અવાજનો લાભ લઈ મકાનના પાછળના દરવાજાનો નકૂચો તોડી ચોરી આચરી હતી. પોલીસે તપાસમાં આરોપીઓએ વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૪ દરમિયાન પણ અછાલીયા, પ્રાંકડ, સારસા અને નવા ટોઠીદરા ગામોમાં ઘરફોડ ચોરીઓ કર્યાની કબૂલાત કરી છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૨૫,૭૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે.
નોંધનીય છે કે આંબાવાડી રાખવાના તથા મહિલાઓના વાળ ખરીદવાના બહાને ગામડાઓમાં ફરી રેકી કરી ઘરફોડ ચોરીઓને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ કરીને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. હવે પોલીસ બે ફરાર આરોપીઓને ઝડપી સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.