દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરત શહેરમાંથી શુક્રવારે (૨૯ મે) મોડી રાત્રે એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્ક ઓવરબ્રિજ પાસે સર્જાયેલા એક માર્ગ અકસ્માતે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી દીધી છે. પાલિકાની ડોર-ટુ-ડોર કચરો ઉઠાવતી ગાડીમાંથી અકસ્માત બાદ શંકાસ્પદ માંસનો જથ્થો જાહેર રોડ પર પડતાં સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
ભેસ્તાન પોલીસ મથક પાસેથી મળતી સત્તાવાર માહિતી મુજબ, સુરત મહાનગરપાલિકાની કચરો એકત્રિત કરવાની સેવામાં કાર્યરત એક ટેમ્પો (નંબર ય્ત્ન-૦૫-ય્ફ-૩૩૫૫) મોડી રાત્રે ભેસ્તાન ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક હોન્ડા યુનિકોન મોટરસાયકલના ચાલકે ટેમ્પોના પાછળના ભાગે જારદાર ટક્કર મારી દીધી હતી. બાઈક ટેમ્પોની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો જારદાર હતો કે ટેમ્પોની અંદર ભરેલો સામાન જાહેર રોડ પર ફંગોળાયો હતો. સામાન્ય રીતે કચરાના ટેમ્પોમાંથી સૂકો કે ભીનો કચરો નીકળતો હોય છે, પરંતુ આ અકસ્માત બાદ ટેમ્પોમાંથી અચાનક લોહીલુહાણ માંસના અવશેષો જાહેર રોડ પર પડી ગયા હતા. રાત્રિના અંધારામાં પાલિકાના સત્તાવાર વાહનમાં આ પ્રકારે કથિત ગૌમાંસનો જથ્થો જાઈને ત્યાં હાજર સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. જાતજાતામાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ એકાએક તંગ બની ગયું હતું. લોકોમાં ભારે રોષ સાથે સવાલો ઉઠ્યા હતા કે સ્વચ્છતા અભિયાનના વાહનમાં આ માંસ ક્યાંથી આવ્યું?
મામલો અત્યંત સંવેદનશીલ અને ધાર્મિક લાગણીઓ સાથે જાડાયેલો હોવાથી ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.બી. દેસાઈ સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે તુરંત જ ટોળાને વિખેરી મોરચો સંભાળી લીધો હતો. આ કેસમાં વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા માટે ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીની ટીમને પણ રાત્રે જ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.એફએસએલની ટીમે રોડ પરથી અને ટેમ્પોમાંથી શંકાસ્પદ માંસના સેમ્પલ લઈને તેને લેબ ટેસ્ટીગ માટે મોકલી આપ્યા છે, જેના રિપોર્ટ બાદ જ સત્તાવાર પુષ્ટિ થશે કે આ માંસ શેનું છે.
ભેસ્તાન પોલીસે આ સમગ્ર પ્રકરણમાં ત્વરિત કાર્યવાહી કરતા ડોર-ટુ-ડોર કચરા સેવાના સંબંધિત કોન્ટ્રાક્ટરને રાતોરાત પોલીસ મથકે તેડાવી લીધો હતો અને તેની કડક પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ ટેમ્પો પાલિકાના કોન્ટ્રાક્ટમાં સત્તાવાર રીતે ચાલતો હોવાનું કન્ફર્મ થયું છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, મોડી રાત્રે આ સરકારી કચરા ગાડી ક્યાંથી આવી રહી હતી અને આ શંકાસ્પદ અવશેષો તેમાં કોણે અને કયા હેતુથી ભર્યા હતા? શું પાલિકાના વાહનનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે મોટા નેટવર્ક માટે કરવામાં આવી રહ્યો હતો? આ તમામ પાસાઓ પર ભેસ્તાન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.