ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી ન્યાયતંત્ર અને પોલીસની સરાહનીય કામગીરીનો એક બહુ મોટો અને ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે. ગાંધીનગરના સેક્ટર-૨૪ વિસ્તારમાં માત્ર ચાર વર્ષની માસૂમ બાળકી પર અત્યાચાર ગુજારનારા પાપી નરાધમને કોર્ટે તેના જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલના સળિયા પાછળ ધકેલી દેવાનો કડક આદેશ કર્યો છે. આ કેસની ખાસ વાત એ છે કે પોલીસે અને કોર્ટે આખી પ્રક્રિયા માત્ર સાડા પાંચ મહિનાના ટૂંકા ગાળામાં જ પૂર્ણ કરીને પીડિતાને ન્યાય અપાવ્યો છે.
સમગ્ર ઘટનાની વિગતો અનુસાર, ગત ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ગાંધીનગરના સેક્ટર-૨૪ ઇન્દીરા નગર છાપરા વિસ્તારમાં આ હૃદયદ્રાવક ઘટના બની હતી. સેક્ટર-૨૫ જીઆઇડીસીમાં મજૂરી કામ કરતા બિહારના વતની રામગનીત દેવનંદન યાદવે બાળકીના ઘરની રેકી કરી હતી. રાત્રિના સમયે જ્યારે પરિવાર સૂતો હતો, ત્યારે તે ઘરમાં ઘૂસ્યો હતો અને ૪ વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરીને નજીકની ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાં નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ માસૂમને લોહીલુહાણ હાલતમાં મૃત સમજીને ત્યાં જ છોડી ભાગી ગયો હતો.
આ ચકચારી કેસ સામે આવ્યા બાદ સમગ્ર ગુજરાતમાં રોષ ફાટી નીકળ્યો હતો. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના સીધા માર્ગદર્શન હેઠળ સેક્ટર-૨૧ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના દિવસોમાં આરોપી રામગનીત યાદવને દબોચી લીધો હતો. આ કેસની તપાસ દરમિયાન જ્યારે પોલીસ આરોપીને લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા લોકેશન પર ગઈ હતી, ત્યારે આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જાકે, ગાંધીનગર પોલીસે બહાદુરી બતાવી આરોપીના પગમાં ગોળી મારીને તેને ત્યાં જ પાડી દીધો હતો.
પોલીસે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ અને પોક્સો એક્ટ ૨૦૧૨ની કડક કલમો હેઠળ મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓને ગ્રાહ્ય રાખીને આરોપી રામગનીત દેવનંદન રામરૂપ યાદવને કસૂરવાર ઠેરવ્યો હતો. કોર્ટે માનવતાને શર્મસાર કરનારા આ ગુના માટે આરોપીને જીવનના ‘છેલ્લા શ્વાસ’ સુધી આજીવન કારાવાસ (કઠોર કેદ) ની સજા ફટકારી છે. આ સાથે જ અદાલતે ભોગ બનનાર માસૂમ બાળકીના ભવિષ્ય અને સારવાર માટે રૂપિયા ૧૦ લાખનું વળતર ચૂકવવાનો પણ વહીવટી તંત્રને આદેશ કર્યો છે.








































