રાજ્યમાં તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખોની ચૂંટણીને લઈને સૌથી વધુ ચર્ચાસ્પદ કિસ્સો જુનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીને લઈને આજે સામે આવ્યો હતો. સવારે ૧૧ વાગ્યે મળેલી સાધારણ સભામાં ભાજપના ૯ અને આમ આદમી પાર્ટીના ૫ સભ્યોની હાજરી વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઇન્દુબેન ભોજક પ્રમુખ પદે ચૂંટાયા હતા.
ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યની વડી અદાલતે જુનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણીને લઈને મહત્વનો મૌખિક આદેશ આપ્યો છે. જસ્ટીસ ડી.એન. રોયે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને આદેશ આપ્યો છે કે, પોલીસ કસ્ટડીમાં રહેલા બગડુ બેઠકના આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્ય સંજય પાઘડારને મત આપવાનો અધિકાર આપવો જાઈએ.
આજે જુનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી અધિકારી ચરણસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાયેલી સાધારણ સભામાં ભાજપના ૯ અને આમ આદમી પાર્ટીના ૫ સભ્યો હાજર રહ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપના ઇન્દુબેન ભોજક (યાજ્ઞિક)ને ૯ મત મળતા તેઓ પ્રમુખ પદે વિજેતા બન્યા હતા.
આમ આદમી પાર્ટીએ આજે યોજાયેલી પ્રમુખની ચૂંટણીને રાજ્યની વડી અદાલતમાં પડકારી છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના બગડુ બેઠકના વિજેતા સભ્ય સંજય પાઘડારની પોલીસે અટકાયત કરી હતી અને તેઓ હાલ તાલુકા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે. આ સ્થિતિમાં તેઓ મત આપવા તાલુકા પંચાયત પહોંચ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીએ હાઈકોર્ટમાં અરજી કરતાં વડી અદાલતના જસ્ટીસ ડી.એન. રોયે મૌખિક આદેશ આપ્યો હતો કે, “કોઈ પણ ચૂંટાયેલા સભ્યને, જ્યાં સુધી તે ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી, મત આપવાનો અધિકાર છે.” આ આદેશ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવ્યો છે.
સાધારણ સભા શરૂ થયા બાદ આમ આદમી પાર્ટીના અન્ય બે સભ્યો દક્ષાબેન ગજેરા અને ગોપાલભાઈ વઘેરા ૧૧ વાગ્યે તાલુકા પંચાયત પહોંચ્યા હતા. પરંતુ સભા શરૂ થઈ ગઈ હોવાથી તેમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આ ઘટનાને લઈને તાલુકા પંચાયતના પરિસરમાં ભાજપ અને આપ કાર્યકરો વચ્ચે સૂત્રોચ્ચાર થયો હતો. દક્ષાબેન ગજેરાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, “ભાજપ સત્તા અને પોલીસનો ઉપયોગ કરીને આપના સભ્યોને પંચાયતમાં જવા દેતું નથી. આ લોકશાહીની હત્યા છે.”
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયાએ કહ્યું કે, “મતદાનના ૨૪ કલાક પહેલાં જ અમારા સભ્યને અટકાયતમાં લેવામાં આવ્યા છે, જે સ્પષ્ટ ષડયંત્ર છે. અમારે હાઈકોર્ટનો સહારો લેવો પડ્યો. અદાલતે અમારી તરફેણમાં આદેશ આપ્યો છે. આવનારા દિવસોમાં ફરી ચૂંટણી યોજાશે અને અમે જીતીશું.”
ચૂંટણી અધિકારી ચરણસિંહ ગોહિલએ જણાવ્યું કે, “સાધારણ સભામાં ભાજપના ૯ અને આપના ૫ સભ્યો હાજર હતા. પ્રમુખ પદે ઇન્દુબેન ભોજકને ૯ મત અને ઉપપ્રમુખ પદે અંજનાબેન મારુંને ૧૪ મત મળ્યા. આમ આદમી પાર્ટીના સભ્યોએ પણ ઉપપ્રમુખ પદના ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો.”








































