ભોપાલમાં ત્વિષા શર્માના શંકાસ્પદ મૃત્યુના કેસથી બધાને આઘાત લાગ્યો છે. કેસની તપાસ ચાલુ છે. ત્વિષાએ અગાઉ ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેત્રી શ્વેતા વર્મા, જેમણે તેમની ફિલ્મ “મુગ્ગુરુ મોનાગલ્લુ” માં કામ કર્યું હતું, તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં ત્વિષા ના મૃત્યુના સમાચાર પર આઘાત વ્યક્ત કરવામાં આવ્યો.
અભિનેત્રી ત્વિષા શર્માની સહ-અભિનેત્રી શ્વેતા વર્માએ તેના અચાનક મૃત્યુ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે હજુ પણ આઘાતમાં છે. ૩૩ વર્ષીય ત્વિષા શર્મા ૧૨ મેના રોજ ભોપાલના કટારા હિલ્સ વિસ્તારમાં તેના પતિ, વકીલ સમર્થ સિંહના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. ત્વિષા સાથે કામ કરી ચૂકેલી અભિનેત્રી શ્વેતાએ ત્વિષાને ખૂબ જ મૈત્રીપૂર્ણ વ્યક્તિ તરીકે યાદ કરી. સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતાં તેણે કહ્યું કે આ કેસની યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે અને સત્ય બહાર આવશે.
“મને હજુ પણ આ સમાચાર સાંભળીને આઘાત લાગ્યો છે કે તે હવે આ દુનિયામાં નથી, ખાસ કરીને લગ્નના છ મહિના પછી. મને તેની સાથે ફિલ્મ ‘મુગ્ગુરુ મોનાગલ્લુ’માં કામ કરવાની તક મળી. જાકે અમે ખૂબ જ ટૂંકી વાત કરી, અમારી વચ્ચે કેટલીક મજેદાર વાતચીત થઈ અને ઘણું હાસ્ય થયું.” તેણે આગળ કહ્યું, “તેણીમાં એટલી બધી સકારાત્મક ઉર્જા હતી કે તે ક્્યારેય એવી વ્યક્તિ લાગતી નહોતી જે આ પ્રકારનું પગલું ભરશે. મને નિષ્ઠાપૂર્વક આશા છે કે આ કેસની યોગ્ય રીતે તપાસ થશે, સત્ય બહાર આવશે અને ન્યાય મળશે.”
નોઈડાની રહેવાસી ત્વિષા શર્માના લગ્ન ડિસેમ્બર ૨૦૨૫માં ભોપાલના રહેવાસી સમર્થ સિંહ સાથે થયા હતા. તેના પરિવારે તેના સાસરિયાઓ પર માનસિક ત્રાસ અને દહેજ ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. પોલીસે કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ માટે એસઆઇટી ની રચના કરી છે. કોર્પોરેટ જગતમાં પ્રવેશતા પહેલા, તેણીએ તેલુગુ ફિલ્મ “મુગ્ગુરુ મોનાગલ્લુ” (૨૦૨૧) અને હિન્દી ફિલ્મ “ઝરા સંભાલ કે” (૨૦૧૮) માં કામ કર્યું હતું. મોડેલિંગના દિવસોમાં, તેણીએ “મિસ પુણે” નો ખિતાબ પણ જીત્યો હતો.