અમદાવાદ શહેરમાં સંબંધોને શર્મસાર કરતી અને વિશ્વાસઘાતની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. સરખેજ વિસ્તારમાં એક શખ્સે પોતાના જ મિત્રની બહેનને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની ખોટી લાલચો આપીને અવારનવાર શારીરિક શોષણ કર્યું હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. પોતે પરિણીત હોવાની વાત છુપાવીને યુવતીની જિંદગી બરબાદ કરનાર આ નરાધમ આરોપીની સરખેજ પોલીસે તાત્કાલિક ધોરણે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાંથી મળતી વિગતો અનુસાર, પકડાયેલા આરોપીનું નામ વિજય બાવળીયા છે. વિજય અને પીડિત યુવતીનો ભાઈ બંને ગાઢ મિત્રો હતા, જેના કારણે વિજયનું યુવતીના ઘરે અવારનવાર આવવા-જવાનું થતું હતું. આ અવરજવર દરમિયાન તેણે યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. જ્યારે પણ યુવતી ઘરે એકલી હોય ત્યારે એકલતાનો લાભ ઉઠાવીને આરોપી વિજય લગ્ન કરી લેવાની પાકી ખાતરી આપીને તેની સાથે સંબંધો બાંધતો હતો. અહેવાલો મુજબ, આરોપીએ સાતથી આઠ વખત યુવતીનું શારીરિક શોષણ કર્યું હતું અને આ દરમિયાન યુવતી ગર્ભવતી બની ગઈ હતી.
જ્યારે પીડિત યુવતીએ ગર્ભવતી હોવાની જાણ વિજયને કરી અને તાત્કાલિક લગ્ન કરી લેવા દબાણ કર્યું, ત્યારે વિજય અલગ-અલગ બહાના બતાવીને સમય પસાર કરવા લાગ્યો હતો. એટલું જ નહીં, તેણે યુવતી પર ગર્ભપાત કરાવી લેવા માટે પણ માનસિક દબાણ લાવવાનું શરૂ કર્યું હતું. વિજયની આ બદલાયેલી વર્તણૂક જાઈને યુવતીને મોટી શંકા ગઈ હતી.
સત્ય જાણવા માટે યુવતી હિંમત કરીને સીધી આરોપી વિજયના ઘરે પહોંચી ગઈ હતી. ત્યાં પહોંચતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે વિજય અગાઉથી જ પરિણીત હતો અને તેને એક દીકરો પણ હતો! આખી જિંદગી જેની સાથે વિતાવવાના સપના જાયા હતા તે વ્યક્તિ જ મહાઠગ નીકળતા યુવતી સ્તબ્ધ થઈ ગઈ હતી. તેણે તાત્કાલિક પોતાના પરિવારને આપવીતી જણાવી હતી, જેના પછી પરિવારે સરખેજ પોલીસ સ્ટેશનમાં વિજય બાવળીયા સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
સરખેજ પોલીસે ગુનો નોંધીને તાબડતોબ આરોપી વિજયની ધરપકડ કરી લીધી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી વિજય બાવળીયા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તે અગાઉ વર્ષ ૨૦૧૭માં નરોડા વિસ્તારમાં થયેલી એક ચકચારી હત્યાના ગુનામાં પણ સંડોવાયેલો હતો અને જેલવાસ ભોગવ્યા બાદ હાલ જામીન પર બહાર આવ્યો હતો. જામીન મુક્ત થઈને બહાર ફરતા આ ગુનેગારે ફરી એક નિર્દોષ યુવતીની જિંદગી રોળી નાખી છે. હાલ પોલીસ આ મામલે મેડિકલ તપાસ સહિતની આગળની કાયદેસરની તજવીજ ચલાવી રહી છે