મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો કેસમાં લુણાવાડાની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સગીરાનું અપહરણ કરી યૌન શોષણ કરનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે. આ ઉપરાંત, પીડિતાને ૩ લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
લુણાવાડા ખાતેની એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ ગંભીર કેસ ચાલી રહ્યો હતો. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવાગામ નવી વસાહતના રહેવાસી પસવંતકુમાર વિનુભાઈ બારીઆએ વર્ષ ૨૦૨૪ દરમિયાન ૧૫ વર્ષ ૨ માસની સગીરાને લલચાવી, ફોસલાવીને ભગાડી જઈ તેના પર યૌન શોષણ કર્યું હતું.
આ ઘટના અંગે કોઠંબા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ તેમજ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં પહોંચ્યા બાદ, રજૂ થયેલા પુરાવાઓ અને સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવ્યો હતો.
સ્પેશિયલ પોક્સો જજ તથા એડિશનલ સેશન્સ જજ એન. જી. દવેએ આરોપી પસવંતકુમાર વિનુભાઈ બારીઆને ૨૦ વર્ષની સખત કેદ અને દંડની સજા સંભળાવી હતી. વધુમાં, પીડિતાને ન્યાય અને પુનર્વસન માટે મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ૩ લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરાયો છે. આ ચુકાદાને બાળ સુરક્ષા અને પોક્સો કાયદાના અસરકારક અમલીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.










































