ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાન અંતર્ગત સુરક્ષા એજન્સીઓને વધુ એક મોટી સફળતા મળી છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ,ભારતીય કોસ્ટગાર્ડ અને પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી. પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કચ્છના મુન્દ્રા બંદર પાસેથી કરોડો રૂપિયાનું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે. દરિયાઈ માર્ગે થઈ રહેલી આ ગેરકાયદેસર હેરાફેરીની ચોક્કસ બાતમીના આધારે એજન્સીઓએ આ આખું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
મળતી માહિતી મુજબ, સુરક્ષા એજન્સીઓને દરિયાઈ માર્ગે મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હોવાની ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે એક્શનમાં આવેલી ટીમોએ ખુલ્લા દરિયામાંથી એક શંકાસ્પદ વિદેશી જહાજને આંતર્યું હતું અને તેને તપાસ અર્થે મુન્દ્રા પોર્ટ પર લાવવામાં આવ્યું હતું. આ શિપની સઘન તલાશી લેતા તેમાંથી માદક પદાર્થનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સર્ચ ઓપરેશન દરમિયાન જહાજમાંથી અંદાજે ૧૧૫ કિલોગ્રામ જેટલું કોકેઇન મળી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા કોકેઇનની અંદાજિત કિંમત ૫૦૦ કરોડ જેટલી થવા જાય છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડાતા રક્ષા ક્ષેત્રે અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના જાડાણો ક્યાં સુધી વિસ્તરેલા છે તે શોધવા માટે પોલીસે ઘટનાસ્થળેથી એક મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. હાલ ગુજરાત એટીએસ દ્વારા તેની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં મુખ્યત્વે બે સવાલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ડ્રગ્સનો આટલો મોટો જથ્થો કયા દેશમાંથી લાવવામાં આવ્યો હતો? ભારતમાં આ જથ્થો કયા સ્થળે અને કોને સપ્લાય કરવાનો હતો?
ગુજરાતના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરીને ડ્રગ્સ ઘુસાડવાના આ મોટા ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે. આ ઘટનાને પગલે રાજ્યના તમામ નાના-મોટા બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં કડક મોનિટરિંગ અને પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.